વોશિંગ્ટનઃ અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરનાર તાલિબાન સંગઠને અમેરિકાની સરકારને ચેતવણી આપી છે કે તેણે 31 ઓગસ્ટ સુધીમાં તેના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી ખસેડી લેવાના, નહીં તો એણે તેના ખરાબ પરિણામ ભોગવવા પડશે. આમ, આ તારીખ સુધીમાં પોતાના 6,000થી વધારે સૈનિકો અને સેંકડો અધિકારીઓને અફઘાનિસ્તાનમાંથી સ્વદેશ પાછાં લાવવાનો પ્રમુખ જૉ બાઈડન સામે મોટો પડકાર છે, કારણ કે એને તે માટે વધારે સમયની જરૂર પડશે. અફઘાનિસ્તાનમાં સૈન્ય મોકલવામાં અમેરિકાને સાથ આપનાર સહયોગી દેશો – બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ કહ્યું છે કે તેઓ પોતપોતાનાં સૈનિકો-અધિકારીઓનાં સ્થળાંતરની કાર્યવાહી 31 ઓગસ્ટ સુધીમાં કદાચ પૂરી કરી નહીં શકે. તેઓ ઈચ્છે છે કે અમેરિકા તાલિબાનને વિનંતી કરે કે ડેડલાઈનને સપ્ટેમ્બરમાં લઈ જાય. આ મુદ્દે ચર્ચા કરવા માટે જી-7 (ગ્રુપ ઓફ સેવન) સમુહના સભ્ય દેશોએ આજે વર્ચ્યુઅલ શિખર મંત્રણા કરી હતી.
અમેરિકાના સૈનિકો હાલ કાબુલમાં એરપોર્ટ સંચાલનની કામગીરીઓનું નિયંત્રણ કરી રહ્યા છે, પણ 600 જેટલા શસ્ત્રસજ્જ અફઘાન સૈનિકો એરપોર્ટની ફરતે ગોઠવાઈ ગયા છે. આને કારણે વોશિંગ્ટનમાં ચિંતા પ્રસરી ગઈ છે. પરંતુ તાલિબાન શાસકો સહકાર આપવાના મૂડમાં નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેઓ જ્યારે પ્રમુખપદે હતા ત્યારે તાલિબાનને ખાતરી આપી હતી કે અમેરિકાના સૈનિકોને આ વર્ષની 1 મે સુધીમાં અફઘાનિસ્તાનમાંથી હટાવી લેવામાં આવશે. પરંતુ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પની હાર થઈ અને નવા પ્રમુખ બનેલા બાઈડને ડેડલાઈનને 31 ઓગસ્ટ સુધી નક્કી કરી છે.