અમેરિકાએ ખશોગી મામલે સાઉદી અરબ પર સવાલ ઉઠાવ્યા

વોશિંગ્ટનઃ ટ્રમ્પ પ્રશાસને ગત વર્ષે ઓક્ટોબરમાં પત્રકાર જમાલ ખશોગીની હત્યાનો ઉલ્લેખ કરતા વાર્ષિક માનવાધિકાર રિપોર્ટમાં સાઉદી અરબ પર પણ સવાલ ઉઠાવ્યો છે.

વિદેશ વિભાગે વાર્ષિક માનવાધિકાર રિપોર્ટમાં કહ્યું કે વોશિંગ્ટન પોસ્ટના સ્તંભકાર ખશોગીની હત્યા સાઉદી પ્રશાસનના જાસૂસોએ ત્યારે કરી દીધી કે જ્યારે તેઓ ઈસ્તમ્બુલમાં સાઉદી દૂતાવાસની અંદર ગયા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સાઉદી અરબના પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસે 11 સંદિગ્ધોને આરોપી ગણાવ્યા છે અને કહ્યું છે કે 10 લોકો તપાસના વર્તુળમાં છે. આ ઘટના એવી કેટલીક ઘટનાઓમાં સમાવિષ્ટ છે, કે જેમાં સરકાર અથવા તેના જાસૂસ જાણીજોઈને અથવા ગેરકાયદેસર હત્યાઓમાં સંલિપ્ત હતા.

સાઉદી અરબમાં માનવાધિકારના ઉલ્લંઘનની અન્ય ઘટનાઓનો પણ ઉલ્લેખ છે. આમાં 20 મહિલા કાર્યકર્તાઓની ધરપકડ, અહિંસક અપરાધો માટે મૃત્યુદંડ, જબરદસ્તી ગાયબ કરવા અને કેદીઓને પ્રતાડિત કરવાની ઘટનાઓનો ઉલ્લેખ છે. સાઉદી અરબ સીવાય નાટોના સહયોગી તુર્કી દ્વારા માનવાધિકારના ઉલ્લંઘનની ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.