અમેરિકામાં બોમ્બ સાઈક્લોન ત્રાટક્યું, 7 કરોડ લોકોને પહોંચી અસર

વોશિંગ્ટનઃ અમેરિકાના અનેક વિસ્તારોમાં ભારે પવનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આ વાવાઝોડાંને બોમ્બ સાઇક્લોન નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે 110 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરી છે. બુધવારે ડેનવર એરપોર્ટ પરથી 1,386 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. અમેરિકાના અનેક વિસ્તારોમાં આ સાઈક્લોનના કારણે જીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે.

ઉપરાંત સરકારી ઓફિસો, સ્કૂલો અને માર્કેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. બોમ્બ સાઇક્લોનની અસર હેઠળ 7 કરોડ લોકો છે અને વેસ્ટ અને અપર મિડવેસ્ટમાં મોટાંભાગના હાઇવે બંધ કરાવી દેવામાં આવ્યા છે. કોલારાડો, વ્યોમિંગ, મોન્ટાના, નેબ્રાસ્કા અને સાઉથ ડકોટામાં ઉલ્મર વાવાઝોડાંની અસર જોવા મળી રહી છે. નોર્થ ડકોટા અને નોર્થવેસ્ટ મિનેસોટામાં વાવાઝોડાંની અસર જાહેર કરવામાં આવી છે. સાત રાજ્યોમાં ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે, 25 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે વાવાઝોડાંને ધ્યાનમાં રાખીને કોલારાડો, વ્યોમિંગ, નેબ્રાસ્કા અને નોર્થ-સાઉથ ડેકોટાના લોકોને ચેતવણી આપી છે કે, તેઓ ઘરની બહાર ના નિકળે અને શક્ય હોય તો ક્યાંય પણ બહાર જવાનું ટાળે. ન્યૂ મેક્સિકો, વિસ્કોન્સિન, મિનેસોટા અને ડલાસ (ટેક્સાસ), મિશિગન અને આયોવામાં પણ સ્થિતિ ખરાબ છે.

નેશનલ વેધર સર્વિસે આ ચક્રવાતને બોમ્બ સાઇક્લોન નામ આપ્યું છે. આ ઠંડીમાં આવતું વાવાઝોડું છે જેમાં 24 કલાકમાં બેરોમેટ્રિક પ્રેશર 24 મિલીબાર સુધી નીચે ગયું હતું. ડેનવર પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપી હવાના કારણે અમને 110 અકસ્માતોની જાણકારી મળી છે. વાવાઝોડાંના કારણે કોલારાડોમાં ડેનિયલ ગ્રોવ્સ નામના 52 વર્ષીય પોલીસ અધિકારીનું અકસ્માતના કારણે મોત થયું છે. આ અધિકારી એક અન્ય ડ્રાઇવરને બચાવવાના પ્રયત્નો કરી રહ્યો હતો તે દરમિયાન બીજી કારે તેને ટક્કર મારી હતી.

સ્થાનિક પોલીસ અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે, તેઓ ઘરની બહાર જઇ રહ્યા છે તો સાવધાની રાખે. સડકો પર ઘણો બરફ હોવાના કારણે ભારે પવન છે, તેથી ગાડીઓની હેડલાઇટ ચાલુ રાખવા, કાચ પર વાઇપર ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ ખરીદી કરવા માટે પણ વધુ દૂર ના જાય. વાવાઝોડાં અને તોફાનના કારણે ડેનવર આતંરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટ પ્રવક્તા અનુસાર, 1,386 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.

ભારે પવનના કારણે કોલારાડોમાં 1.30 લાખ મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ઇલેક્ટ્રિસિટી કંપની એક્સેલ એનર્જીના પ્રવક્તા માર્ક સ્ટુટ્જે કહ્યું કે, વાવાઝોડાંના કારણે અમારી સેવાઓ પર અસર થઇ છે. ડલાસમાં પણ 1 લાખ મકાનોમાં વીજળી નથી.