વોશિંગ્ટન- ઈરાનને લઈને અમેરિકાનું વલણ બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પ્રત્યે નરમ વલણ અપનાવતા જણાઈ રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે નવા કરાર અને સમાધાનનો માર્ગ શોધવા તેઓ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે કોઈ પણ શરત વગર મુલાકાત કરવા તૈયાર છે.ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષના મે મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ઈરાન સાથએ વર્ષ 2015માં કરવામાં આવેલા પરમાણુ કરારથી અલગ કર્યું હતું. આ કરાર પર પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાના સમયમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેને ટ્રમ્પ પ્રશાસન આત્યાર સુધીનો સૌથી ખરાબ કરાર ગણાવી રહ્યાં છે. હાલમાં થોડા દિવસો પહેલાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ જોવા મળ્યું હતું. જેમાં બન્ને દેશોએ એક-બીજાને માટે ધમકી પણ ઉચ્ચારી હતી.
અમેરિકાના પ્રેસિડેન્ટે કહ્યું કે, ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે કોઈ પણ પૂર્વ શરત રાખવામાં નહીં આવે. જો તેઓ મુલાકાત કરવા તૈયારી દર્શાવશે તો હું પણ તેમની સાથે ગમે ત્યારે મુલાકાત કરવા તૈયાર છું. કારણકે આ મુલાકાત ઈરાન માટે, અમેરિકા માટે અને સમગ્ર વૈશ્વિક સમુદાય માટે પણ સારા સમાચાર હશે.
ઈરાન મુદ્દે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈટલીના વડાપ્રધાન ગ્યૂસેપ કોંતે વચ્ચે પણ ચર્ચા યોજાઈ હતી. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, અમારા બન્ને વચ્ચે સહમતિ સધાઈ હતી અને નક્કી કરવામાં આવ્યું કે, ઈરાનના આ ક્રૂર શાસકને પરમાણુ હથિયાર રાખવાની પરવાનગી આપવામાં આવશે નહીં. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, અમે વૈશ્વિક સમુદાયને પણ પ્રોત્સાહિત કરશું કે, ઈરાનની હાનિકારક ગતિવિધિઓ બંધ કરવા સહયોગ આપે.