વડા પ્રધાન તરીકે ઈમરાન ખાનના શપથવિધિ સમારોહમાં મોદીને આમંત્રિત કરવા વિચારે છે PTI

લાહોર – ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વડા પ્રધાન તરીકે આવતી 11 ઓગસ્ટે શપથ ગ્રહણ કરવાના છે. શપથવિધિ સમારોહ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાની એમની પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટી વિચારી રહી છે.

પીટીઆઈ પાર્ટી 65 વર્ષીય ઈમરાન ખાનના શપથવિધિ સમારોહમાં સાઉથ એશિયન એસોસિએશન ફોર રીજનલ કોઓપરેશન (SAARC) સમૂહના સભ્ય રાષ્ટ્રોના વડાઓને આમંત્રણ આપવા વિચારે છે. ભારત આ સમૂહનું એક રાષ્ટ્ર છે. આ વિશેનો નિર્ણય ટૂંક સમયમાં જ લેવામાં આવશે, એમ પીટીઆઈ પાર્ટીના એક નેતાએ કહ્યું છે.

ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાર્ટી રાષ્ટ્રીય સંસદીય ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવી છે. પરંતુ એને બહુમતી મળી નથી તેથી એ પોતાના એકલાના બળે સરકાર રચી શકે એમ નથી. એને નાના પક્ષો અથવા અપક્ષ સભ્યોનો ટેકો લેવો પડશે.

ઈમરાન ખાને ગઈ કાલે જાહેરાત કરી હતી કે પોતે 11 ઓગસ્ટે વડા પ્રધાન તરીકે શપથ લેશે.

વડા પ્રધાન મોદીએ ગઈ કાલે ફોન કરીને ઈમરાન ખાનને ચૂંટણીમાં જીત મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે તમારી જીતને પગલે પાકિસ્તાનમાં લોકશાહીના મૂળ વધારે મજબૂત થશે એવી મને આશા છે.

ઈમરાન ખાને મોદીનો આભાર માન્યો છે અને ભારપૂર્વક કહ્યું છે કે બંને દેશ વચ્ચેના વિવાદો વાટાઘાટ દ્વારા ઉકેલવા જોઈએ.

ઈમરાન ખાને એમના વિજયી ભાષણમાં કહ્યું હતું કે પોતે ભારત સાથે સંબંધો સુધારવા માગે છે. બંને દેશ વચ્ચેના સંબંધ સારા રહે તો આપણા સૌને માટે સારું રહેશે.