પાકિસ્તાન ચૂંટણી: મુસ્લિમ વર્ચસ્વ ધરાવતા વિસ્તારમાં 3 હિન્દૂ ઉમેદવાર જીત્યા

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં હાલમાં જ યોજાયેલી ચૂંટણીમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના (PPP) ત્રણ હિન્દૂ ઉમેદવારો સિંધ પ્રાંતના મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાંથી ચૂંટાઈ આવ્યા છે. પાકિસ્તાન મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ નેશનલ એસેમ્બલીની થરપાકર (NA-222) બેઠક પરથી  મહેશ મલાનીએ જીત મેળવી છે. પ્રાંતીય એસેમ્બલીની PS- 147 અને PS-81 બેઠક પરથી અનુક્રમે હરિરામ કિશ્વરીલાલ અને જમશોરો જ્ઞાનમૂલ ઉર્ફે જ્ઞાનચંદ ઈસરાનીએ જીત મેળવી છે.આ ત્રણેય ઉમેદવારો પાકિસ્તાનના ઈતિહાસમાં પ્રથમ વખત સામાન્ય બેઠકો પરથી ચૂંટણી જીત્યા છે. મહેશ મલાનીને 1 લાખ 06 હજાર 630 મત મળ્યા હતા. જ્યારે તેમના વિરોધી અરબાબ જકાઉલ્લાહને 87 હજાર 261 મત મળ્યા હતા. મહત્વનું છે કે, થાર રણની કુલ વસ્તીમાં હિન્દૂ જનસંખ્યા 49 ટકા છે.

રિપોર્ટ અનુસાર કિશ્વરીલાલ મીરપુરખાસ જિલ્લામાંથી જીત્યા છે. જ્યાં આશરે 15 લાખની વસતીમાં 23 ટકા લોકો હિન્દૂ છે. જેમને પૂર્વ પ્રેસિડેન્ટ અને PPPના સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારીના નજીકના મિત્ર માનવામાં આવે છે. કિશ્વરીલાલને 33 હજાર 201 મત મળ્યા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના ઉમેદવાર મુજીબ-ઉલ-હકને 23 હજાર 56 મત મળ્યા હતા.

જ્ઞાનચંદ ઈરાનિ સિંધના જમશોરો જિલ્લાના કોહિસ્તાન ક્ષેત્રના થાનોબોલા ખાન વિસ્તારથી જોડાયેલા છે. તેમને 34 હજાર 927 મત મળ્યા હતા. જ્યારે તેમના વિરોધી ઉમેદવાર મલિક ચંગેઝ ખાનને 26 હજાર 975 મત મળ્યા હતા. પાકિસ્તાન હિન્દૂ મહાસભાના અધ્યક્ષ ડોક્ટર ગોવિંદ રામે જણાવ્યું કે, સામાન્ય બેઠકો પરથી હિન્દૂ ઉમેદવારોનું નામાંકન એક સારો વિચાર હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]