કશ્મીર સમસ્યા ઉકેલવામાં હું મદદ કરી શકું છું; ઓફર સ્વીકારવી કે નહીં એ મોદીએ નક્કી કરવાનું છેઃ ટ્રમ્પ

વોશિંગ્ટન – ભારત અને પાકિસ્તાનને દાયકાઓથી નડતા અને જટિલ એવા કશ્મીર પ્રશ્નને ઉકેલવામાં મધ્યસ્થી કરવાનો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પુનરોચ્ચાર કર્યો છે. કદાચ એમને ખબર નથી કે ભારત સરકાર એમના આ પ્રયાસને અગાઉ નકારી ચૂકી છે.

અત્રે વ્હાઈટ હાઉસ ખાતે એક પત્રકારે પૂછેલા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ‘ધારો કે ભારત અને પાકિસ્તાન બંને ઈચ્છે, અથવા એકલું ભારત ઈચ્છે – જે હજી સ્પષ્ટ થયું નથી, પણ જો મને પૂછે તો હું ચોક્કસપણે એમાં હસ્તક્ષેપ કરવા તૈયાર છું.’

અહીંયા ટ્રમ્પનું બેવડું વલણ છતું થયું છે. હજી અમુક જ દિવસો પહેલાં એમણે એવો દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એમની વચ્ચેની વાતચીત વખતે કશ્મીર મામલે મધ્યસ્થી કરવાનું એમને કહ્યું હતું.

જોકે ટ્રમ્પના એ દાવાને ભારત સરકાર જાહેરમાં, ત્વરિત અને ભારપૂર્વક રીતે નકારી ચૂકી છે.

ટ્રમ્પે ગઈ કાલે પત્રકારના સવાલના જવાબમાં કહ્યું હતું કે જો એ લોકો ઈચ્છે કે આ મામલે કોઈ દરમિયાનગીરી કરે અથવા એમને મદદ કરે તો હું તૈયાર છું. મેં પાકિસ્તાન સાથે પણ વાત કરી છે… અને નિખાલસપણે કહું તો મેં આ વિશે ભારત સાથે પણ વાત કરી છે… જો એ લોકો ઈચ્છે તો હું ચોક્કસપણે દરમિયાનગીરી કરીશ.

ઉલ્લેખનીય છે કે કશ્મીર મામલે કોઈ ત્રીજા પક્ષ દ્વારા મધ્યસ્થી કરવાની ભારત હંમેશાં વિરોધ કરતું આવ્યું છે જ્યારે પાકિસ્તાન કાયમ મધ્યસ્થી ઈચ્છતું આવ્યું છે.

ગઈ 22 જુલાઈએ અમેરિકાની મુલાકાતે આવેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન સાથે ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. એ વખતે ઈમરાન ખાનની જાહેર અપીલના પ્રત્યાઘાતમાં ટ્રમ્પે કશ્મીર મામલે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. એટલું જ નહીં, એમણે એવો દાવો કર્યો હતો કે બે અઠવાડિયા અગાઉ હું વડા પ્રધાન મોદીને મળ્યો હતો અને અમે આ વિષયે ચર્ચા કરી હતી. વાસ્તવમાં, મોદીએ મને પૂછ્યું હતું કે શું તમે મધ્યસ્થ કે લવાદ બનશો? મેં પૂછ્યું હતું ‘ક્યાં?’ તો એમણે કહ્યું હતું ‘કશ્મીર’.

ટ્રમ્પે કહ્યું, જો તમે એમ ઈચ્છો કે હું મધ્યસ્થી કરાવું કે લવાદની ભૂમિકા ભજવું તો હું એમ કરવા તૈયાર છું.

મોદીએ કશ્મીર મામલે મધ્યસ્થી કરવાનું ટ્રમ્પને કહ્યું હતું એવા ટ્રમ્પના દાવાને ભારત સરકાર નકારી ચૂકી છે અને એવો પુનરોચ્ચાર કર્યો છે કે ભારતનું વલણ સ્પષ્ટ છે કે પાકિસ્તાન સાથેના તમામ વિવાદો માત્ર દ્વિપક્ષીય રીતે જ ઉકેલી શકાશે અને પાકિસ્તાન ત્રાસવાદને ટેકો આપવાનું બંધ કરે એ પછી જ.

ભારતના જવાબથી ટ્રમ્પ હજી વાકેફ ન હોય એવું લાગે છે એટલે જ ગઈ કાલે જ્યારે એક પત્રકારે સવાલ પૂછ્યો કે તમારી ઓફરનો એ લોકોએ સ્વીકાર કર્યો કે નહીં? ત્યારે ટ્રમ્પે કહ્યું કે એ લોકોએ હજી જવાબ આપ્યો નથી. એ નિર્ણય ખરેખર વડા પ્રધાન મોદીએ લેવાનો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]