અમેરિકાએ આખરે 3G ટેક્નોલોજીને વિદાય આપી દીધી

સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકામાં 3G મોબાઈલ સેવા પર આખરે પડદો પાડી દેવામાં આવ્યો છે. 3G સેવા પૂરી પાડતી છેલ્લી ટેલિકમ્યુનિકેશન પ્રોવાઈડર કંપની વેરિઝોને પણ તેના ગ્રાહકોના ડિવાઈસીઝ પર આ જૂનું નેટવર્ક બંધ કરી દીધું છે. AT & T કંપનીએ 2022ના ફેબ્રુઆરીમાં તેની 3G સેવા બંધ કરી દીધી હતી જ્યારે T-મોબાઈલ કંપનીએ માર્ચમાં જૂનું નેટવર્ક બંધ કરવાનું શરૂ કર્યું હતું. વેરિઝોન કંપનીએ હવે તેના ગ્રાહકોને નવા LTE-સક્ષમ ફોન મોકલવાનું શરૂ કર્યું છે. તેની સાથેના પત્રોમાં તેણે સ્પષ્ટતા કરી છે કે હવે આગળની પરિસ્થિતિ શું હશે. તેણે 3G ફોન ધરાવતા ગ્રાહકોને જણાવ્યું છે કે એમની લાઈન હવે બંધ કરી દેવામાં આવશે. તેઓ 3G ફોનનો ઉપયોગ માત્ર 911 ફોન નંબર પર અને વેરિઝોન કસ્ટમર સર્વિસને કોલ કરવા પૂરતો જ કરી શકશે.

હજી ઘણા દેશોમાં 3G મોબાઈલ સેવા ચાલુ છે. ઓરેન્જ કંપની યુરોપના દેશોમાં તેના 2G અને 3G નેટવર્કને 2030 સુધીમાં તબક્કાવાર બંધ કરી દેશે. શરૂઆત ફ્રાન્સથી કરાશે. પહેલો 3G ફોન 2000ના વર્ષના આરંભમાં જોવા મળ્યો હતો.

ભારતમાં 5G સેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. દેશમાં જેટલો ડેટા વપરાશ છે એમાં 99 ટકા હિસ્સો 4Gનો છે.