હેલસિન્કીમાં મજબૂત થઈ ટ્રમ્પ-પુતિનની મિત્રતા, ભારતને પણ થશે આ લાભ

હેલસિન્કી- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે ફિનલેન્ડની રાજધાની હેલસિન્કીમાં બેઠક યોજાઈ ગઈ. આ બેઠક સાથે જ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં ગત કેટલાક સમયથી ચાલી રહેલી ખટાશ પણ સમાપ્ત થઈ ગઈ. આ બેઠકને ભારત પણ પોતાના હિતમાં જુએ છે. માનવામાં આવે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે મજબૂત થતી મિત્રતા ભારતની વિદેશ નીતિને મજબૂત બનાવશે.ઉલ્લેખનીય છે કે, સીરિયામાં રાસાયણિક હુમલાઓ અને અમેરિકાની પ્રેસિડેન્ટ ચૂંટણીમાં દખલગીરીના કારણે બન્ને દેશોના સંબંધો તણાવપૂર્ણ થયા હતા. ત્યારબાદ બન્ને દેશો વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ જોવા મળ્યું હતું. જેથી ભારતની ચિંતાઓ વધે તે સ્વાભાવિક હતું. કારણકે, અમેરિકા અને રશિયા બન્ને દેશ ભારતના મુખ્ય સહયોગી દેશ છે.

રશિયા અને અમેરિકા વચ્ચે સુધરેલા સંબંધોનું ભારતે સ્વાગત કર્યું છે. કારણકે, બે મહાસત્તાઓ વચ્ચેના સંઘર્ષથી ભારતની ચિંતા વધી હતી. ભારતની સામે તેના મુખ્ય સહયોગી દેશને સાથે રાખીને ચાલવું પડકાર રુપ બની રહ્યું હતું.

આવા સંજોગોમાં જો ભારત રશિયા સાથે સંબંધ વિકસિત કરે તો અમેરિકા ભારતથી નારાજ થાય અને અમેરિકા સાથે નિકટકા વધારે તો રશિયા નારાજ થાય. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત માટે તેના કોઈ પણ સહયોગી દેશને છોડવું શક્ય નથી. બન્ને માંથી કોઇ પણ દેશની નારાજગી ભારત માટે પરમાણુ સપ્લાયર ગ્રૂપની (NSG) સદસ્યતા મેળવવાના પ્રયાસમાં અવરોધ ઉભો કરી શકે તેમ છે.

આ ઉપરાંત અમેરિકાના દબાવમાં આવીને ભારતને રશિયા સાથેના કારોબાર ઉપર પણ પ્રતિબંધ મુકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકી હોત. જેથી ભારતમાં રશિયન કંપનીઓના સહયોગથી ચાલતા પ્રોજેક્ટ પણ પ્રભાવિત થઈ શક્યા હોત. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે યોજાયેલી સકરાત્મક બેઠક ભારતના દ્રષ્ટિકોણથી પણ ઘણી મહત્વની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]