છેવાડાના લોકોને સસ્તી દૂરસંચાર સેવા પહોંચાડવા સરકારની નવી નીતિ

નવી દિલ્હીઃ ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં સસ્તી દૂરસંચાર સેવાઓ લોકોને પ્રાપ્ત થઈ શકે તે હેતુસર કેન્દ્ર સરકાર એક મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. આ માટે સરકાર એક નવી દૂરસંચાર નીતિ લાવે તેવી શક્યતા છે. નવી દૂરસંચાર નીતિમાં સરકારે સ્પેક્ટ્રમ અને લાઈસન્સની ફી ઓછી રાખવાનો નિર્ણય કર્યો છે. આમ થવાથી નાની કંપનીઓને એક નવી તક પ્રાપ્ત થશે અને સાથે જ ગ્રાહકોના પ્રી-પેડ અને પોસ્ટ પેડ બિલમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આવતા અઠવાડીયે કેબિનેટ નવી નીતિને લીલી ઝંડી બતાવે તેવી શક્યતાઓ છે. દૂર સંચાર આયોગ દ્વારા મંજૂર કરવામાં આવેલી દૂરસંચાર નીતિમાં નાણા મંત્રાલયે કંપનીઓ પર ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને છેવાડાના વિસ્તારોમાં વસવાટ કરતા લોકો સુધી સંચાર સુવિધા પહોંચે તે માટેનો છે. બજારમાં પ્રતિસ્પર્ધા વધશે તો તેનો સીધો ફાયદો ગ્રાહકોને પ્રાપ્ત થશે. સ્પેક્ટ્રમ અને લાઈસન્સની ફી માં ઘટાડો થતા સેવાનો લાભ લેનારાઓના બિલમાં 10 થી 15 ટકા જેટલો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે.

અત્યારે દૂરસંચાર કંપનીઓ પોતાની આવકનો 40 ટકાથી વધારે ભાગ ટેક્સ તરીકે આપે છે. આ કારણે કંપનીઓને પોતાની સેવાઓમાં વધારો કરવામાં મુશ્કેલી આવે છે અને વંચિત વિસ્તારોમાં આ સેવા પહોંચી શકતી નથી.