મિયામી– ઉત્તરપ્રદેશના જાલૌનીના વતની યુવકે અમેરિકાના મિયામી એરપોર્ટને એકે 47 અને ગ્રેનેડ દ્વારા ઉડાવી દેવાની ધમકી આપતા હડકંપ મચી ગયો હતો. આ યુવકે એરપોર્ટ પર કોલ કરીને ઘણીવાર ધમકી આપી હતી અને ઈમેલ કર્યા હતાં. અમેરિકામાં આવા પ્રકારની ધમકીને કારણે સનસનાટી ફેલાઈ હતી. અમેરિકાની ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને ભારતીય એજન્સી એનઆઈએની મદદ માંગી હતી.
એનઆઈએએ મામલાને યુપી એટીએસને મોકલ્યો હતો. બાદમાં યુપી એટીએસએ આઈપી એડ્રેસની ચકાસણી કરીને ધમકી આપનારા યુવકને કસ્ટડીમાં લીધો હતો. યુવકે જણાવ્યું હતું કે તેણે તેના પિતા પાસેથી સિત્તેર હજાર રૂપિયા લઈને બિટકોઈન ખરીદ્યા હતા. અમેરિકાના એક યુવકે બિટકોઈનમાં વધુ ફાયદો કરાવવાની વાત કહીને તેના નાણાં હડપી લીધા હતા. આનાથી નારાજ થઈને યુપીના યુવકે મિયામી એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આપી હતી.
ઝડપાયેલો યુવક જાલૌનનો વતની છે અને તેની ઉંમર અઢાર વર્ષ ત્રણ માસની છે. તેના કમ્પ્યુટર તથા મોબાઈલ ફોનની ચકાસણી કરવામાં આવી હતી અને તેમાં તેના દ્વારા ધમકી આપવાની વાત સાચી નીકળી હતી. યુવકે પણ પોતાનો ગુનો કબૂલ્યો હતો. આ યુવકે જણાવ્યું કે તેણે તેના પિતા પાસેથી એક હજાર અમેરિકન ડોલર લઈને બિટકોઈન ખરીદ્યા હતા. આના સંદર્ભે તેણે તેના પરિવારજનોને જણાવ્યું ન હતું. બાદમાં તેણે એરપોર્ટની સાથે એફબીઆઈને પણ અન્ય નામથી ઈમેલ કરીને ધમકી આપી હતી.
યુવક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પરંતુ તેના ભવિષ્યને જોતા ચેતવણી આપીને અંગત બોન્ડ પર તેને મુક્ત કરવામાં આવ્યો છે. જો કે તેની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.