વોશિંગ્ટનઃ અમેરિકાની ઘરેલુ કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા તપાસ એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)ના અમલદારોએ પ્રમુખ જૉ બાઈડનના બે નિવાસસ્થાન ખાતે તલાશી લીધી હતી. એ દરમિયાન એમને વધુ ગોપનીય દસ્તાવેજો મળી આવ્યા હતા. અમલદારોએ વિલ્મિંગ્ટન અને ડેલાવેર ખાતે બાઈડનના નિવાસસ્થાનોએ તલાશી લીધી હતી. ત્યાંથી એમને વર્ગીકૃત ચિન્હવાળા વધુ છ દસ્તાવેજો મળી આવ્યા હતા. અમલદારોએ તે દસ્તાવેજો તેમજ બાઈડને લખેલી કેટલીક નોંધ પણ જપ્ત કરી લીધી છે.
પોતાના ઘરમાં તલાશી લેવાની પ્રમુખે એફબીઆઈને સ્વૈચ્છિક રીતે પરવાનગી આપી હતી. કેટલાક દસ્તાવેજો બાઈડન 1973થી 2009 સુધી ડેલાવેરના સેનેટર હતા તે વખતના છે. અન્ય અમુક દસ્તાવેજો તેઓ 2009માં ઓબામા વહીવટીતંત્રમાં ઉપપ્રમુખ બન્યા હતા તે વખતના છે. અમેરિકાના કાયદા વિભાગે બાઈડનના નિવાસસ્થાનોની કરાવેલી આ તપાસ 12 કલાક સુધી ચાલી હતી. એ દરમિયાન બાઈડન કે એમના પત્ની ઘરમાં હાજર નહોતાં. તેઓ સપ્તાહાંત રજા માણવા રેહોબોથ બીચ ખાતે ગયાં છે.