વોશિંગ્ટનઃ દેશના પ્રમુખપદની ચૂંટણી-2020ને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બનાવટ તરીકે ગણાવી છે. ગઈ મોડી રાત સુધી મતગણતરી ચાલુ રાખવામાં આવી એટલે તેઓ ભડકી ગયા છે. એમણે કહ્યું છે કે પોતે આની સામે સુપ્રીમ કોર્ટમાં કેસ કરશે.
આજે વ્હાઈટ હાઉસ ખાતે પોતાના સમર્થકો અને પરિવારજનોને સંબોધિત કરતાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની જનતા સાથે એક છેતરપીંડી કરવામાં આવી છે. ચૂંટણીના પરિણામને પોતે સુપ્રીમ કોર્ટમાં પડકારશે એમ તેમણે કહ્યું હતું.
આવો આક્ષેપ કરતી વખતે ટ્રમ્પે કોઈ પુરાવો આપ્યો નહોતો. વળી, એમણે જ્યારે આવો આરોપ મૂક્યો હતો ત્યારે લાખો મતોની ગણતરી બાકી હતી.
એમણે પોતાના સંબોધનમાં કહ્યું કે આ અમેરિકાની જનતા સાથે કરાયેલી એક છેતરપીંડી છે. આ આપણા દેશ માટે શરમજનક બાબત છે. ‘પ્રામાણિકપણે કહું તો આપણે આ ચૂંટણી જીતી ગયા હતા. તમામ પ્રકારનું મતદાન બંધ થવું જોઈએ,’ એ તેમણે કહ્યું હતું.
એમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે હું તો મંગળવારે સાંજે આપણી જીતની ઘોષણા કરવાનો હતો. આપણે મોટી ઉજવણી કરવા માટે સજ્જ પણ બની ગયા હતા અને અચાનક બધું બંધ કરી દેવાયું. લાખો લોકોએ આપણને વોટ આપ્યો હતો.
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી જીતવા માટે ઉમેદવારે કુલ 538 ઈલેક્ટોરલ વોટમાંથી ઓછામાં ઓછા 270 ઈલેક્ટોરલ વોટ હાંસલ કરવા પડે. રોઈટર સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ ટ્રમ્પે અત્યાર સુધીમાં 213 ઈલેક્ટોરલ વોટ જીત્યા છે જ્યારે, બાઈડને 210 વોટ હાંસલ કર્યા હતા.
તે છતાં ફોક્સ ન્યૂઝના દાવા મુજબ બાઈડન સરસાઈમાં હતા.