ઝુરીક (સ્વિટ્ઝરલેન્ડ): અમેરિકાનાં દંતકથાસમાન ગાયિકા અને જેમને લોકપ્રિય સંગીત-શૈલી ‘રોક ‘એન’ રોલનાં રાણી’ તરીકે ઓળખવામાં આવ્યાં છે તે ટીના ટર્નરનું ગઈ કાલે ઝુરીક નજીકના કઝનેસ્ત નગરમાં એમનાં નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ 83 વર્ષનાં હતાં. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતાં. એવું કહેવાય છે કે 2016માં એમને આંતરડાના કેન્સરનું નિદાન થયું હતું અને 2017માં એમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.
1939ની 26 નવેમ્બરે અમેરિકાના ટેનેસી રાજ્યના નટબસ શહેરમાં જન્મેલાં ટીના ટર્નરે સગીર વયે જ સંગીત ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી હતી. 1960ના દાયકામાં ‘પ્રાઉડ મેરી એન્ડ રીવર ડીપ’, ‘માઉન્ટેન હાઈ’ જેવા ગીતોથી તેઓ લોકપ્રિય બન્યાં હતાં. એમનાં લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હતું. પતિથી છૂટાછેડા લીધા બાદ એમણે કારકિર્દી પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને ‘વોટ્સ લવ ગોટ ટુ ડુ વિથ ઈટ’, ‘પ્રાઈવેટ ડેન્સર’, ‘ધી બેસ્ટ’ સહિત બીજાં અનેક હિટ ગીતો ગાયાં હતાં. એમનાં ગીતોની રેકોર્ડ્સનું ત્યારે અમેરિકા ઉપરાંત અનેક દેશોમાં ધૂમ વેચાણ થયું હતું. ટીના ટર્નરે 8 ગ્રેમી એવોર્ડ્સ જીત્યાં હતાં. 1991માં એમને ‘રોક એન્ડ રોલ હોલ ઓફ ફેમ’માં સામેલ કરીને સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા, ગાયક મિક જેગર, ડાયના રોસ જેવી નામાંકિત હસ્તીઓ તેમજ ટોચના સંગીતકારોએ ટીના ટર્નરનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.