વિશ્વની પુતિન, શી જિનપિંગની મુલાકાત પર નજર?

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફરી એક વાર મળવાના છે. રશિયાના અને ચીનના રાજકીય સંબંધોની 75મી વર્ષગાંઠે પુતિન ચીનની મુલાકાતે જવાના છે.  જિનપિંગના આમંત્રણે પુતિન બે દિવસના પ્રવાસે ચીન જવાના છે. પુતિન 16-17 મેએ ચીનની મુલાકાતે જવાના છે.

સાત મહિનામાં પુતિન બીજી વાર ચીન પહોંચી રહ્યા છે, જેથી વિશ્વની આ મુલાકાત પર નજર છે. આ પહેલાં પુતિન ગયા વર્ષે 17-18 ઓક્ટોબરે ચીન પહોંચ્યા હતા. પાંચમી વાર રશિયાના રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી પુતિનનો આ પહેલો વિદેશપ્રવાસ છે.

ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પુતિન અને જિનપિંગ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ચીન રશિયાનું એક વ્યૂહાત્મક ભાગીદાર રાષ્ટ્ર છે અને પશ્ચિમી દેશો તેમના વિશે શું વિચારે છે, એનાથી તેમને કોઈ ફરક નથી પડતો.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને જણાવ્યું હતું કે પુતિન અને જિનપિંગ દ્વિપક્ષી સંબંધો, આપસી સહયોગ અને વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે,રશિયાના રાષ્ટ્રપતિ ઓફિસમાંના ક્રેમલિને જણાવ્યું હતું કે બંને નેતાઓ સંયુક્ત નિવેદન જારી કરશે અને કેટલાક દ્વિપક્ષી સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રવાસમાં પુતિન ચીનના વડા પ્રધાન લી કિયાંગની સાથે પણ મુલાકાત કરશે. આ સાથે પુતિન બીજિંગ સિવાય હાર્બિન શહેરની પણ મુલાકાત લેશે.