વોશિંગ્ટનઃ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા પછી પણ તાલિબાન અને તેમના સહયોગીઓ માટે આગામી રાહ સરળ નહીં, કેમ કે તેમને અલગ-થલગ કરવા માટે વિશ્વની સંસ્થાઓ સક્રિય થઈ ગઈ છે. આ બધી કાર્યવાહી તાલિબાનને અફઘાનિસ્તાનમાં લોકતંત્રની સ્થાપના કરવા અને માનવીય અધિકારો અને પ્રાઇવસીના અધિકારોની સુરક્ષા કરવા માટે કરવામાં આવી રહી છે. જોકે તાલિબાનના વલણમાં લેશમાત્ર પરિવર્તન નથી આવ્યું.
તાલિબાને અત્યાર સુધી વચગાળાની કેબિનેટનાં નામોનો ખુલાસો કર્યો છે, એમાં સમાવેશી સરકારના કોઈ સંકેત નથી મળી રહ્યા. અત્યાર સુધી જે નામોની ઘોષણા થઈ છે, તે બધા તાલિબાની આતંકવાદીઓ છે. અફઘાનિસ્તાનના લોકો કોઈ પણ રીતે દેશ છોડીને વિશ્વના કોઈ પણ ભાગમાં જવા તૈયાર છે. તેમને આશંકા છે કે તાલિબાન તેમનું જીવન નરક બનાવી દેશે. કાબુલમાં લોકોને ઘરોમાંથી સામાન ફૂટપાથો પર વેચવાનું શરૂ કર્યું છે.
G-7 અને અમેરિકાએ તાલિબાન પાસે 31 ઓગસ્ટ પછી પણ કાબુલથી વિદેશી લોકોને સુરક્ષિત કાઢવા ગેરન્ટી માગી છે. સામે પક્ષે તાલિબાને અમેરિકાને કોઈ પણ પગલાં માટે તૈયાર રહેવા કહ્યું છે. આઇએમએફ પછી વિશ્વ બેન્કે અફઘાનિસ્તાનને નાણાકીય મદદ આપવાનો ઇનકાર કર્યો છે. જેથી તાલિબાને ચીન પાસે આર્થિક મદદ માગી છે. જોકે ચીન તાલિબાનોને મદદ કરશે.અફઘાનિસ્તાનમાં ચીન તેનાં સ્વાર્થ સાધવા મૂળભૂત સિદ્ધાંતોમાં ફેરફાર કર્યો છે. આતંકવાદી તાલિબાન શાસન અને ચીનની કોમ્યુનિસ્ટ સરકારની દોસ્તીને વિશ્વ સંશયની નજરે જોઈ રહી છે.
