નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ એસ્ટ્રેઝેનકાની કોરોનાની રસી કોવિશિલ્ડને વિશ્વમાં ક્યાંય પણ ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. WHO કોવેક્સ કાર્યક્રમ હેઠળ કોવિશિલ્ડને મંજૂરી આપી છે. ભારતમાં એસ્ટ્રાઝેનકાની રસી કોવિશિલ્ડનું ઉત્પાદન થઈ રહ્યું છે. એનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કરી રહી છે. આ રસીને ભારત દ્વારા અનેક દેશોમાં મોકલવામાં આવી છે. WHOના સ્વતંત્ર નિષ્ણાતોએ જે દેશોમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેન સામે આવ્યા છે, એ દેશોમાં એસ્ટ્રીઝેનકાની રસીને ઇમર્જન્સી ઉપયોગની છૂટ આપી છે.
WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એધેનોમ ઘેબ્રેસિયસ જણાવ્યું હતું કે મંજૂરી પછી કોવેક્સ કાર્યક્રમ હેટળ આ રસીને કોઈ પણ દેશમાં કરી શકાશે. કોવેક્સ કાર્યક્રમ હેઠળ આર્થિક રૂપે ગરીબ દેશોને WHO તરફથી કોરોનાની રસી મોકલવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે કોવિડ-19ના કેસોની સંખ્યામાં સતત પાંચમા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. જોકે તેમણે કહ્યું હતું કે રોગચાળો હજી પણ કાબૂમાં નથી આવ્યો. ગયા સપ્તાહે ઓક્ટોબર પછીના સાપ્તાહિક ધોરણે સૌથી કોરોનાના કેસો નોંધાયા હતા. જો આપણે આ સ્તરે થોડીક બેકાળજી દાખવીશું તો કોરોના રોગચાળો પાછો વકરશે, એમ તેમણે ચેતવણી આપી હતી.
ફાઇઝર-બાયોએનટેકની રસી સિવાય ઇમર્જન્સી ઉપયોગની યાદીમાં આ રસી હવે બીજી અને ત્રીજી રસી છે, એમ તેમણે કહ્યું હતું.
એસ્ટ્રાઝેનકા રસી પહેલેથી બ્રિટન, ભારત, આર્જેન્ટિના અને મેક્સિકો સહિત 50થી વધુ દેશોમાં અધિકૃત છે. એ ફાઇઝર-બાયોએનટેક રસીની તુલનામાં સસ્તી અને સરળ છે. જેને કોલ્ડ સ્ટોરેજની જરૂર નથી. બંને રસીને પ્રતિ વ્યક્તિના બે ડોઝલેવાની જરૂર રહે છે.