ખાર્કિવઃ યુક્રેનના બોર્ડર પાસે આવેલા શહેર ખાર્કિવમાં રશિયાનું જેટ્સ અને ટેન્કોના ગોળીબાર વચ્ચે આશરે 15,000 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. આ વિદ્યાર્થીઓની પાસે ખાણીપીણીની ચીજવસ્તુઓ ખતમ થઈ રહી છે. તેમણે બેઝમેન્ટ અને બેન્કરો અને અન્ડરપાસમાં શરણું લીધું છે. આ વિદ્યાર્થીઓએ જીવનમાં આવી ખરાબ સ્થિતિ ઊભી થશે, એની કલ્પનાએ નહોતી કરી. જોકે ભારતીય એમ્બેસી આ વિદ્યાર્થીઓને બહાર કાઢીને પડોશી દેશ હંગેરીમાં મોકલવા માટે પ્રયાસો કરી રહી છે. જેથી એ પછી ત્યાંથી તેમને ભારત લાવી શકાય. સરકારે આ વિદ્યાર્થીઓને કાઢવાના પ્રયાસ તેજ કર્યા છે. સરકાર તેમને અહીં સુરક્ષિત લાવવાનો ખર્ચ પણ ઉઠાવશે, એમ સૂત્રોએ કહ્યું હતું.
હું ખાર્કિવની નેશનલ મેડિકલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું. એ રશિયાની સરહદેથી આશરે 35 કિલોમીટરના અંતરે છે. અહીં ચારે બાજુ બોમ્બધડાકા થઈ રહ્યા છે. મોટા ભાગના લોકો શહેર છોડી રહ્યા છે, પણ ભારતીય વિદ્યાર્થીઓ ક્યાંય જઈ નથી શકતા. અમે એક બેઝમેન્ટમાં છુપાયેલા છીએ. શહેરના મોટા ભાગના લોકો બેઝમેન્ટમાં જ છે.
ખાર્કિવની નેશનલ યુનિવર્સિટીમાં 15,000થી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ બધા બેઝમેન્ટમાં છે. અહીં ચારે બાજુ અંધારું છે. ધડાકાઓ થઈ રહ્યા છે, જેથી અમે બધા ડરી રહ્યા છીએ. અમારી પાસે ચાર-પાંચ દિવસનો ખાવાની ચીજવસ્તુઓ છે. કેટલાક જણ સુરક્ષિત શહેરો તરફ જવાનાય પ્રયાસ કરી રહ્યા છે.
યુક્રેનની સરકારથી અમને કોઈ મદદ નથી મળી રહી. એમ્બેસી તરફથી એક સંદેશ મળ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે ભારત સરકાર હંગેરીના રસ્તેથી ભારતીય વિદ્યાર્થીઓને કાઢવાના પ્રયાસ કરી રહી છે. અહીં અમારી સ્થિતિ બહુ કફોડી છે, એમ એક વિદ્યાર્થીએ કહ્યું હતું.