ન્યૂયોર્કઃ અહીંના એક ગુરુદ્વારાની બહાર ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત તરનજીતસિંહ સંધુ સાથે ધક્કામુક્કી કરી હતી અને એવો આરોપ મૂક્યો હતો કે તમે શીખ અલગતાવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા કરાવી છે અને (પ્રતિબંધિત સંગઠન) શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે)ના (ઘોષિત આતંકવાદી) ગુરપતવંતસિંહ પન્નૂનની હત્યાનું ષડયંત્ર પણ તમે ઘડ્યું હતું.
આ બનાવ ભારતના વિદેશ ખાતાના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ ગઈ 22 નવેમ્બરે કરેલા એક નિવેદનના થોડાક દિવસો બાદ બન્યો છે. બાગ્ચીએ ત્યારે કહ્યું હતું કે અમેરિકી સત્તાવાળાઓએ એમને એવી જાણ કરી હતી કે અમેરિકામાં સંગઠિત અપરાધીઓ, બંદૂકોના તસ્કરો, આતંકવાદીઓ તથા અન્યો વચ્ચે સાંઠગાંઠ પ્રવર્તે છે જે બંને દેશ માટે ચિંતાનું કારણ છે અને અમેરિકાના સત્તાવાળાઓએ આવા લોકો સામે જરૂરી પગલું ભરવાનો નિર્ણય લીધો છે. પરંતુ ન્યૂયોર્કમાં હિક્સવિલ ગુરુદ્વારાની બહાર બનેલા બનાવે વધુ ચિંતા ઉપજાવી છે. એમાં એક વ્યક્તિ રાજદૂત સંધુને મોટા અવાજે એવું કહેતા સંભળાયો હતો કે તમે નિજ્જરની હત્યા કરાવી છે.
ઉલ્લેખનીય છે કે નિજ્જરને આ વર્ષના જૂન મહિનામાં કેનેડામાં અજ્ઞાત વ્યક્તિઓએ ઠાર માર્યો હતો.
રાજદૂત સંધુને ઘેરી વળીને બૂમો પાડતા લોકોનો એક વીડિયો ભાજપના પ્રવક્તા આર.પી. સિંહ ખાલસાએ આજે X (ટ્વિટર) પર શેર કર્યો છે. એમણે લખ્યું છે, ‘ખાલિસ્તાનીઓએ ભારતીય રાજદૂત તરનજિતસિંહ સંધૂને ધક્કે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને ગુરપતવંતસિંહની નિષ્ફળ ગયેલી હત્યાનું ષડયંત્ર ઘડવાનો એમની પર આરોપ મૂક્યો હતો. હિક્સવિલ ગુરુદ્વારા ખાતે ખાલિસ્તાની સમર્થકોની આગેવાની હિંમતસિંહે લીધી હતી.’