લંડનઃ યુરોપના 27 દેશોના રાજકીય અને આર્થિક બાબતો માટેના સંગઠન યુરોપિયન યુનિયને 14 દેશોના યાત્રીઓ માટે પોતાની સરહદ ફરી ખોલી છે, પણ અમેરિકામાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈને અમેરિકાને આ પરવાનગી આપવામાં આવી નથી અને અમેરિકનોને હજી કમસે કમ બે સપ્તાહ સુધી પ્રવેશની મંજૂરી નહીં મળે. એની સાથે રશિયા, બ્રાઝિલ અને ભારત જેવા અન્ય કેટલાય મોટા દેશોના યાત્રીઓના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ જારી રહેશે, એમ યુરોપિયન યુનિયને (EU) આ સંબંધે માહિતી આપી હતી.
યુરોપિયન યુનિયનમાં 27 સભ્ય દેશો
કોરોના વાઇરસને કારણે યુરોપનાં દેશોનાં અર્થતંત્રો પર માઠી અસર પડી છે. ગ્રીસ, ઇટાલી અને સ્પેન જેવા દક્ષિણી યુરોપિયન યુનિયનના દેશો તડકો પસંદ કરતા પર્યટકોને આકર્ષિત કરવા તથા પ્રભાવિત પર્યટન ઉદ્યોગોને ફરી બેઠો કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એક અંદાજ મુજબ પ્રતિ વર્ષ 1.5 કરોડથી વધુ અમેરિકી યુરોપની યાત્રા કરે છે. યુરોપિયન યુનિયનમાં 27 સભ્ય દેશો છે.
આ દેશોના નાગરિકોના પ્રવેશને મંજૂરી
પ્રાપ્ત માહિતી અનુસાર જે દેશોના નાગરિકોના પ્રવેશની મંજૂરી આપવામાં આવશે, એમાં અલ્જિરિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જ્યોર્જિયા, જાપાન, મોન્ટેનેગ્રો, મોરોક્કો, ન્યુઝીલેન્ડ, રવાન્ડા, સર્બિયા, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, ટ્યુનિશિયા અને ઉરુગ્વે સામેલ છે.
આ યાદીમાં દર 15 દિવસે અપડેટ કરાશે
યુરોપિયન યુનિયનના જણાવ્યાનુસાર આ યાદીને દર 14 દિવસમાં અપડેટ કરવામાં આવશે અને આમાં નવા દેશો ઉમેરવામાં આવશે અથવા કેટલાક દેશોને યાદીમાં દૂર કરવામાં આવશે. જોકે એ એ વાત પર નિર્ભર રહેશે કે જેતે દેશમાં આ કોરોનાની કેવી સ્થિતિ છે.
કોરોના વાઇરસની અર્થતંત્ર પર ખરાબ અસર પડી છે. યુરોપિયન યુનિયનના દેશો પ્રવાસન ઉદ્યોગને પુનઃ ચેતનવંતો કરવા માટે ઉત્સુક છે. દક્ષિણ યુરોપના ગ્રીસ, સ્પેન અને ઇટાલી જેવા દેશો ટુરિસ્ટોને ખાસ આકર્ષિત કરે છે.
પાકિસ્તાન એરલાઇન્સના વિમાનના પ્રવેશ પર પ્રતિબંધ
યુરોપિયન યુનિયનની એર સેફ્ટી એજન્સીએ એક જુલાઈથી પાકિસ્તાન ઇન્ટનેશનલ એરલાઇન્સને છ મહિના સુધી યુરોપમાં પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય પછી એક જુલાઈથી આગામી છ મહિના સુધી એટલે કે ડિસેમ્બર, 2020 સુધી PIAની ફ્લાઇટ્સ યુરોપ નહીં જઈ શકે. હાલમાં PIAના કેટલાક પાઇલટના લાઇસન્સ ખોટા હોવાના સમાચારને આધારે યુરોપિયન યુનિયન એર સેફ્ટી એજન્સીએ આ નિર્ણય લીધો છે.