ટ્રમ્પને માસ્ક પહેરવામાં કોઈ વાંધો નથી, ભીડમાં પહેરશે

નવી દિલ્હીઃ અમેરિકામાં કોરોના વાઈરસ રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે તે છતાં જાહેરમાં ફેસ માસ્ક પહેરવાનો લાંબા સમયથી ઈનકાર કર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, મને લાગે છે કે, માસ્ક પહેર્યા પછી હું ‘લોન રેન્જર’ જેવો દેખાઉ છું. પરંતુ જાહેરમાં ભીડમાં હોઈશ ત્યારે જરૂર માસ્ક પહેરીશ. મને માસ્ક પહેરવા સામે કોઈ વાંધો નથી.

માસ્ક ન પહેરવા બદલ વ્યાપક ટીકા થયા બાદ ટ્રમ્પે હવે ખુલાસો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ‘લોન રેન્જર’ એક હોલીવૂડ ફિલ્મ હતી જેમાં અભિનેતા તેની આંખો પર કાળા રંગનું માસ્ક પહેરતો હતો. ટ્રમ્પે એક ઈન્ટર્વ્યુમાં કહ્યું કે, હું માસ્ક પહેરવા માટે તૈયાર છું. મને લાગે છે કે માસ્ક પહેરવું સારું છે. લાખો લોકોએ મને માસ્ક પહેરીને જોયો છે. તેમની આ ટિપ્પણી તેવા સમયે આવી છે કે જ્યારે એક દિવસ પહેલા રિપબ્લિકન સાંસદોએ ભલામણ કરી હતી કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાના લોકો સામે એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરવા માટે માસ્ક પહેરવું જોઈએ.

ટ્રમ્પે કહ્યું કે, જો હું લોકોની ભીડમાં હોઈશ તો નિશ્ચિતપણે માસ્ક પહેરીશ.

ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી માસ્ક પહેરવાનો ઈનકાર કરી રહ્યા હતા.

ટ્રમ્પે કહ્યું હતું કે, કમાન્ડર ઈન ચીફ માટે માસ્ક પહેરવું અશોભનીય હશે, કારણ કે તે કેટલાય રાષ્ટ્રપ્રમુખોને મળતા હોય છે.

જો કે, બુધવારના રોજ ટ્રમ્પે અલગ વલણ અપનાવતા કહ્યું કે, મેં માસ્ક પહેર્યું હતું. આ લોન રેન્જર જેવું લાગે છે. મને માસ્ક પહેરવાની કોઈ તકલીફ નથી.