ભારત-પાકિસ્તાન વચ્ચે વધ્યો તણાવ! શરીફની તપાસની તૈયારી, ભુટ્ટોનું આકરું વલણ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે દાવો કર્યો છે કે તેઓ નિષ્પક્ષ તપાસ માટે તૈયાર છે. પાકિસ્તાન મિલિટરી એકેડેમીની પરેડમાં બોલતા શરીફે ભારત પર પાકિસ્તાનને બદનામ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે ભારત પુરાવા વિના ખોટા આક્ષેપો કરી રહ્યું છે, જે બંધ થવું જોઈએ. શરીફે ઉમેર્યું કે પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે, પરંતુ તેની સાર્વભૌમત્વ અને સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં કરે.

શરીફે સિંધુ નદીના પાણીનો મુદ્દો ઉઠાવતા ચેતવણી આપી કે જો ભારતે પાણી ઘટાડવાનો કે રોકવાનો પ્રયાસ કર્યો તો પાકિસ્તાન સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે. તેમણે કહ્યું કે પાણી પાકિસ્તાનના 24 કરોડ લોકોના જીવનનો આધાર છે. ભારતે તાજેતરમાં પહેલગામ હુમલા બાદ સિંધુ જળ સંધિ રદ કરવાની જાહેરાત કરી છે, જેને પાકિસ્તાને ‘યુદ્ધ સમાન’ ગણાવ્યું.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ આકરા શબ્દોમાં હુમલો કર્યો. એક જાહેરસભામાં તેમણે કહ્યું કે સિંધુ નદી પાકિસ્તાનની છે અને રહેશે. ભુટ્ટોએ ભારતના આરોપોને ખોટા ગણાવી, પાકિસ્તાની સેનાની બહાદુરીની પ્રશંસા કરી. શરીફે કાશ્મીર મુદ્દે પણ ઝીણાના નિવેદનને ટાંકી કાશ્મીરીઓના અધિકારોનું સમર્થન કર્યું. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, કાં તો આપણું પાણી સિંધુ નદીમાં વહેશે અથવા તેમનું લોહી વહેશે. સિંધુ નદી આપણી છે અને આપણી જ રહેશે. ભુટ્ટોએ કહ્યું હતું કે સિંધુ જળ સંધિ એક જ વારમાં તોડી નાખવી શક્ય નથી. હજારો વર્ષોથી અમે જ આ નદીના વારસદાર છીએ. ભારતે 23 એપ્રિલે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય લીધો, જેના પર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે કહ્યું કે પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે. આ નિર્ણયથી બંને દેશો વચ્ચે તણાવ વધવાની શક્યતા છે.