દુબઈ – પીઢ બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી કપૂરના અત્રેની હોટેલમાં ગયા શનિવારે રાતે થયેલા અચાનક દેહાંતના કેસમાં એક આંચકાજનક વળાંક આવ્યો છે. એમનું મૃત્યુ હોટેલની રૂમના બાથટબમાં અકસ્માતપણે ડૂબી જવાથી થયું છે, એવું ગલ્ફન્યૂઝ ડોટ કોમે દુબઈ પોલીસના ફોરેન્સિક અહેવાલને ટાંકીને આજે જણાવ્યું છે.
ફોરેન્સિક લેબોરેટરીએ આપેલા અહેવાલની ઈમેજ શેર કરીને ગલ્ફન્યૂઝ ડોટ કોમે જણાવ્યું છે કે શ્રીદેવીના લોહીમાં આલ્કોહોલના અંશ મળી આવ્યા છે, એમણે સંતુલન ગુમાવી દીધું હતું અને બાથટબમાં પડી ગયા હતા અને ડૂબી ગયા હતા.
શ્રીદેવી એમના પતિ અને નિર્માતા બોની કપૂર સાથે સરપ્રાઈઝ ડિનર પર જવાના હતા એની અમુક મિનિટો પહેલા જ હોટેલની રૂમમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. દુબઈ પોલીસના ફોરેન્સિક રિપોર્ટને પગલે અભિનેત્રીના પાર્થિવ શરીરને ભારત મોકલવામાં વિલંબ થયો છે.
અમુક મિડિયા અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે શ્રીદેવીના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ ઘણું વધારે હતું.
54 વર્ષીય શ્રીદેવીનું ગયા શનિવારે રાતે નિધન થયું હતું. અગાઉ એવો અહેવાલ હતો કે એમનું મૃત્યુ હૃદયરોગનો હુમલો આવતા હૃદય કામ કરતું બંધ થવાને કારણે થયું હતું.
દુબઈ પોલીસે શ્રીદેવીના મૃત્યુ અંગે ફોરેન્સિક રિપોર્ટ શ્રીદેવીના પરિવારને તેમજ ભારતીય કોન્સ્યૂલેટના પ્રતિનિધિને સુપરત કર્યો છે.
ગલ્ફન્યૂઝ ડોટ કોમે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર યૂએઈ સરકારના ફોરેન્સિક રિપોર્ટને ટાંકીને અહેવાલ આપ્યો છે.
અહેવાલની કોપી પર યૂએઈ આરોગ્ય મંત્રાલય તથા પ્રીવેન્ટિવ મેડિસીન, દુબઈના ડાયરેક્ટર ડો. સેમી વાડીના નામનો સિક્કો દર્શાવેલો છે.
સત્તાવાર દુબઈ મિડિયા ઓફિસ ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવેલા અહેવાલ અનુસાર, દુબઈ પોલીસે શ્રીદેવીનાં મૃત્યુના કેસને દુબઈ પબ્લિક પ્રોસિક્યૂશનને ટ્રાન્સફર કર્યો છે, જે આ પ્રકારના કેસોમાં રેગ્યૂલર કાનૂની પ્રક્રિયા હાથ ધરે છે.
ભારતની કોઈ સમાચાર સંસ્થા ફોરેન્સિક અહેવાલની વિગતોને સમર્થન આપ્યું નથી.
અગાઉ એવા અહેવાલો હતા કે પતિ સાથે ડિનર પર જવા માટે તૈયાર થવા શ્રીદેવી બાથરૂમમાં ગયા હતા.
બોની કપૂર ગયા શનિવારે મુંબઈથી વિમાન દ્વારા દુબઈ પહોંચ્યા હતા અને સાંજે લગભગ 5.30 વાગ્યે જુમાઈરાહ એમિરેટ્સ ટાવર્સ હોટેલ ખાતે શ્રીદેવીને એમની રૂમમાં જઈને મળ્યા હતા. તેઓ શ્રીદેવીને સરપ્રાઈઝ ડિનર આપવા માગતા હતા એટલે મુંબઈથી ઓચિંતા દુબઈ પહોંચ્યા હતા.
ડિનર પર જતા પૂર્વે શ્રીદેવી વોશરૂમમાં ગયા હતા. 15 મિનિટ થઈ ગઈ તે છતાં શ્રીદેવી વોશરૂમની બહાર ન આવતાં બોનીએ બારણે ટકોરો કર્યો હતો. કોઈ જવાબ ન મળતાં બોનીએ દરવાજો તોડ્યો હતો ત્યારે જોયું તો શ્રીદેવી પાણીથી ભરેલા બાથટબમાં નિશ્ચેતન અવસ્થામાં પડ્યા હતા.
એમણે પત્નીને જીવીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ ભાનમાં ન આવતાં એમણે એમના એક મિત્રને ફોન કર્યો હતો. ત્યારબાદ એમણે રાતે 9 વાગ્યે પોલીસને જાણ કરી હતી.
પોલીસ અને ડોક્ટરો હોટેલની રૂમ પર પહોંચ્યા હતા, પરંતુ એમણે શ્રીદેવીને મૃત જાહેર કર્યા હતા.
ત્યારબાદ શ્રીદેવીના મૃતદેહને ઓટોપ્સી માટે જનરલ ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક મેડિસીન ખાતે લઈ જવામાં આવ્યો હતો.
‘પદ્મશ્રી’ ખિતાબથી સમ્માનિત શ્રીદેવી એમના પતિ બોની કપૂરના ભાણેજ મોહિત મારવાહના લગ્નપ્રસંગમાં હાજરી આપવા પતિ અને એમની નાની પુત્રી ખુશી સાથે યૂએઈના જ ભાગ ગણાતા રાસ અલ-ખૈમાહમાં આવ્યા હતા. લગ્ન પ્રસંગ બાદ બોની કપૂર મુંબઈ પાછા ફર્યા હતા અને શ્રીદેવી તથા ખુશી દુબઈમાં જ રહ્યા હતા. બોની ત્યારબાદ સરપ્રાઈઝ વિઝિટ માટે પાછા દુબઈ આવ્યા હતા.