માલદીવના સમુદ્રમાં ચીન બનાવશે વેધશાળા, ભારતની સુરક્ષા માટે ખતરો

માલે- માલદીવના સમુદ્રમાં ચીન એક સંયુક્ત મહાસાગર વેધશાળા બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જે ભારતની સુરક્ષા માટે વધુ એક ખતરો બની શકે છે. માલદીવના વિપક્ષના નેતાઓએ દાવો કર્યો છે કે, આ વેધશાળા સૈન્ય જરુરિયાતોને પણ પુરી કરશે અને વેધશાળામાં બહમરીન માટે એક બેઝ પણ તૈયાર કરવામાં આવશે.મળતી માહિતી મુજબ આ વેધશાળા માલદીવના મકુનુધૂમાં બનાવવામાં આવશે. જે માલદીવના ઉત્તરી ભાગમાં સ્થિત ટાપુ પર આવેલું છે. આ જગ્યા ભારતથી ઘણી નજીક આવેલી છે. જેના કારણે હિંદ મહાસાગરમાં ચીનને ભારત પર નજર રાખવા મહત્વની જગ્યા મળી રહેશે. જેના કારણે ભારત અને મલદીવના સંબંધોમાં વધુ એક નકારાત્મક પાસું જોડાઈ શકે છે.

ભારતીય અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે, સંયુક્ત વેધશાળા સ્થાપિત કરવા માટે ચીન અને માલદીવ વચ્ચે ગત વર્ષે નિર્માણ કરારને અંતિમ સ્વરુપ આપવામાં આવ્યું છે. જોકે ભારતીય અધિકારીઓએ કહ્યું કે, માલદીવ અને ચીન વચ્ચેના કરારનો અભ્યાસ કર્યા વિના તે અંગે અત્યારથી પ્રતિક્રિયા આપવી અતિશયોક્તિ ગણાશે.

જાણકારોનું માનવું છે કે, હવે ભારતે માલદીવની પણ એક ‘રેડ લાઈન સબ્જેક્ટ’ તરીકે નોંધ લેવી પડશે. ઉપરાંત ભારતે માલદીવ અને ચીન સરકારને પણ જણાવવું પડશે કે, ભારત સુદ્રમાં આ પ્રકારની વેધશાળાના નિર્માણકાર્યને સ્વીકારશે નહીં.