જૂનમાં બ્લેકલિસ્ટ થઈ શકે છે પાકિસ્તાનનું અર્થતંત્ર, આ રહ્યાં કારણો

ઈસ્લામાબાદ- ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનની ઈકોનોમિનો ‘ગ્રે લિસ્ટ’માં સમાવેશ કરાયા બાદ પાકિસ્તાન પર તેની વિપરિત અસર થઈ શકે છે. પાકિસ્તાન ટેરર ફન્ડિંગ પર પ્રતિબંધ લગાવવામાં નિષ્ફળ રહ્યાં બાદ FATF દ્વારા પાકિસ્તાન સામે આ પગલું લેવામાં આવ્યું છે.ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાન પર અન્ય એજન્સીઓ પર પગલા લઈ પાકિસ્તાનનું રેટિંગ ડાઉનગ્રેડ કરે તેવી શક્યતા છે. એટલું જ નહીં પાકિસ્તાનના વલણમાં કોઈ સુધાર નહીં જણાય તો FATF તેને બ્લેકલિસ્ટ પણ કરી શકે છે.

પાકિસ્તાનમાં અર્થતંત્રના જાણકારોનું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ, વિશ્વ બેન્ક, એશિયન ડેવલપમેન્ટ બેન્ક સહિત મૂડીઝ, S&P અને ફિચ જેવી એજન્સીઓ પણ પાકિસ્તાનને ડાઉનગ્રેડ કરી શકે છે. અને જો આમ થશે તો પાકિસ્તાનમાં શેરબજાર સહિત સમગ્ર અર્થતંત્રમાં મંદીનો માહોલ જોવા મળી શકે છે. આમ થશે તો ચીનને સીધો ફાયદો થશે અને પાકિસ્તાનમાં રોકાણ કરવાની નવી તક ઉભી થશે.

પાકિસ્તાન સરકારના એક અધિકારીએ ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું કે, જો પાકિસ્તાનનો ગ્રે લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે તો, એનો અર્થ એ થશે કે, પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય બજારમાંથી ફંડ મેળવવું મુશ્કેલ થઈ જશે. જોકે પાકિસ્તાનના પીએમ અબ્બાસીના આર્થિક સલાહકારે દાવો કર્યો છે કે, પાકિસ્તાનની ઈકોનોમી પર પ્રતિબંધનો કોઈ જ વિપરીત પ્રભાવ પડશે નહીં.