વોશિંગ્ટનઃ અમેરિકામાં એક ન્યાયાધીશે ચુકાદો આપ્યો છે કે એચ-1બી વિઝાધારકોનાં જીવનસાથીઓ અમેરિકામાં નોકરી-કામકાજ કરી શકે છે. તેમના આ નિર્ણયને લીધે અમેરિકાના ટેક્નોલોજી ક્ષેત્રમાં વિદેશી કામદારોને મોટી રાહત થશે, જેઓ અમેરિકામાં ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ગુજરાતીઓ સહિત ભારતીયો ખાસ્સી એવી મોટી સંખ્યામાં રહે છે.
આ કેસ ‘સેવ જોબ્સ યૂએસએ’ નામની સંસ્થાએ કર્યો હતો. તેણે કોર્ટમાં એવી માગણી કરી હતી કે એચ-1બી વિઝાધારકોની અમુક કેટેગરીઓનાં જીવનસાથીઓને અમેરિકામાં નોકરી કરવાની સત્તા આપતા ભૂતકાળની ઓબામા સરકારના નિયમને તે રદબાતલ કરે. પરંતુ, ડિસ્ટ્રીક્ટ જજ તાન્યા ચટકને આ પીટિશનને ફગાવી દીધી છે.
એચ-1બી વિઝા એક પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા છે, જે અંતર્ગત સૈદ્ધાંતિક અથવા ટેક્નિકલ વિશેષજ્ઞતાની આવશ્યક્તા હોય એવા પદ પર વિદેશી કર્મચારીઓને નિયુક્ત કરવાની અમેરિકાની કંપનીઓને છૂટ આપવામાં આવી છે. ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓને દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓને નોકરીએ રાખવા માટે આ કાયદાકીય રાહતનો સહારો લેવો પડતો હોય છે.