USના લુઇસવિલે શહેરમાં ત્રીજી સપ્ટેમ્બર ‘સનાતન ધર્મ દિવસ’ ઘોષિત

નવી દિલ્હીઃ તામિલનાડુના CM એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિના સનાતન પરના વિવાદિત નિવેદન પછી ભારતમાં વિરોધનો વંટોળ ઊઠ્યો હતો. જોકે અમેરિકાના લુઇસવિલે (કેન્ટકી) શહેરમાં મેયરે ત્રીજી સપ્ટેમ્બરે ‘સનાતન ધર્મ દિવસ’ ઘોષિત કર્યો છે.

લુઇસવિલેમાં હિન્દુ મંદિરમાં મહાકુંભ અભિષેકમ ઉત્સવ દરમ્યાન મેયર ક્રેગ ગ્રીનબર્ગ તરફથી ડેપ્યુટી મેયર બાર્બરા સેક્સ્ટન સ્મિથે ત્રીજી સપ્ટેમ્બરે ‘સનાતન ધર્મ દિવસ’ તરીકે ઊજવવાનું સત્તાવાર એલાન કર્યું હતું.

તામિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન હાલમાં જ સનાતન ઉન્મૂલન સંમેલનમાં સામેલ થયા હતા. તેમણે એ દરમ્યાન કહ્યું હતું કે સનાતનનો માત્ર વિરોધ ના કરવો જોઈએ, પણ એને ખતમ કરી દેવો જોઈએ. આપણે ડેંગ્યુ, મચ્છર, મલેરિયા અને કોરોનાનો વિરોધ નથી કરી શકતા. આપણે એને નાબૂદ કરવો જોઈએ. આ રીતે આપણે સનાતનને પણ નાબૂદ કરવો જોઈએ.

તેમણે કહ્યું હતું કે સનાતન શું છે? એ સંસ્કૃત ભાષાથી આવેલો શબ્દ છે. સનાતન સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ હોવા સિવાય કંઈ નથી. સનાતન વિશે શો અભિપ્રાય છે? એ શાશ્વત છે, જેને બદલી નથી શકાતું. કોઈ સવાલ નથી કરી શકતું અને એ જ એનો અર્થ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સનાતને લોકોને જાતિઓને આધારે વહેંચ્યો છે.

સ્ટાલિનના પુત્રના નિવેદન પર ભાજપે INDIA ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહે વિપક્ષના ગઠબંધનમાં સામેલ પાર્ટીઓ પર મતબેન્ક અને તુષ્ટિકરણના રાજકારણ માટે સનાતન ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.