મોસ્કોઃ રશિયાના પર્મ શહેરમાં એક યૂનિવર્સિટીના કેમ્પસમાં આજે સવારે અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા આઠ જણના મરણણ નિપજ્યા છે અને બીજાં છ જણ ઘાયલ થયા છે. હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો છે અને એનું શસ્ત્ર કબજે કરાયું છે.
રશિયાની સમાચાર સંસ્થા ‘તાસ’ના અહેવાલ મુજબ, પર્મ સ્ટેટ યૂનિવર્સિટીના એક મકાનમાં ગોળીબારની ઘટના બની હતી. હુમલાખોર આજે સવારે કેમ્પસમાં ઘૂસ્યો હતો અને એની પાસેના અત્યંત આધુનિક શસ્ત્રમાંથી બેફામ રીતે ગોળીબાર કર્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એમના ક્લાસરૂમ્સ અંદરથી બંધ કરી દીધા હતા. ઘટનાનો વિડિયો ઈન્ટરનેટ પર જોવા મળ્યો છે જેને કારણે સનસનાટી મચી ગઈ છે. વિડિયોમાં જોઈ શકાય છે કે ગોળીબાર વખતે અમુક વિદ્યાર્થીઓ જીવ બચાવવા બારીમાંથી નીચે કૂદી પડ્યાં હતાં. હુમલાખોરને તિમૂર બેકમાન્સુરોવ તરીકે ઓળખ કરવામાં આવી છે. ગોળીબાર પાછળ એનો શું ઈરાદો હતો તે હજી સ્પષ્ટ થયું નથી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આયા છે.