વિશ્વ અલ્ઝાઇમર્સ ડેઃ કેટલો ગંભીર છે આ રોગ? જાણો…

નવી દિલ્હીઃ વિશ્વ અલ્ઝાઇમર્સ દિવસ 21 સપ્ટેમ્બરે ઊજવવામાં આવે છે. શું તમે એવી સ્થિતિમાં રહી રહ્યા છો કે તમને ભૂતકાળ યાદ નથી રહેતો કે નજીકના સમયમાં બનેલી ઘટનાઓ ભૂલી જાઓ છે. ઉંમર વધવા સાથે અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં થવા લાગે છે, જેમાંની એક છે, સ્મૃતિભ્રંશ- જો આપણે નિયમિતપણે કંઈ ને કંઈ ભૂલવા લાગીએ તો એ અલ્ઝાઇમરના રોગનાં પ્રારંભિક લક્ષણોના સંકેત હોઈ શકે.

આ બીમારીથી બચવા માટે પ્રતિ વર્ષ 21 સપ્ટેમ્બરે વિશ્વ અલ્ઝાઇમર્સ ડે ઊજવાય છે. વળી, એ કેટલાક દેશોમાં મહિના માટે ઊજવવામાં આવે છે. એનો ઉદ્દેશ જાગરુકતા લાવવાનો છે. જોકે અલ્ઝાઇમર રોગ એક મગજની સ્થિતિ છે, જેમાં ધીમે-ધીમે યાદશક્તિ ક્ષીણ થતી જાય છે અથવા વ્યક્તિ બધું ભૂલવા માંડે છે (અલ્ઝાઇમર્સ-ડિમેન્શિયા). ખાસ કરીને એ વૃદ્ધ વ્યક્તિઓમાં સ્મૃતિભ્રંશ સામાન્ય કારણ છે. એમાં મગજની કોશિકાઓ બગડતી જાય છે અને ધીમે-ધીમે મૃત થતી જાય છે.

અલ્ઝાઇમર રોગમાં સ્મૃતિદોષ એક મહત્ત્વનું લક્ષણ છે. જેમાં હાલની ઘટનાઓ અથવા ચર્ચાઓ યાદ કરવામાં મુશ્કેલી અનુભવવી –સામાન્ય રીતે એ પ્રારંભિક લક્ષણ છે, જેમ-જેમ રોગ વિકસિત થાય છે, તેમ-તેમ યાદ આવવા-રાખવાની સમસ્યાઓમાં વધારો થાય છે અને એ પછી વધારાનાં લક્ષણો સામે આવે છે. આ રોગ ધીમે-ધીમે મન-મસ્તિષ્ક પર અને વ્યક્તિની સ્કિલ પર અને દૈનિક કાર્યો પર પ્રતિકૂળ પ્રભાવ પાડે છે. વિશ્વમાં પાંચ કરોડ લોકો ડિમેન્શિયાની સાથે જીવી રહ્યા છે. ડિમેન્શિયા આપણી સામે આવતી સૌથી ગંભીર સમસ્યાઓમાંની એક છે.