મોસ્કો- રશિયામાં યોજાયેલી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિન ફરી એકવાર જંગી બહુમતિથી ચૂંટાઈ આવ્યા છે. જેથી તેઓ ફરી 6 વર્ષ માટે રશિયાના પ્રેસિડેન્ટ બન્યા છે. રશિયામાં ગતરોજ યોજાયેલી ચૂંટણીમાં પુતિનને 75 ટકા વોટ મળ્યા છે. જોકે વિપક્ષે ચૂંટણીમાં ગોટાળો થયો હોવાનો આરોપ લગાવ્યો છે.ચૂંટણીના પરિણામ બાદ વ્લાદિમીર પુતિને તેમના સમર્થકોને કહ્યું કે, આ પરિણામ મારા પ્રત્યે રશિયાની જનતાનો વિશ્વાસ દર્શાવે છે અને અપેક્ષાઓ વ્યક્ત કરે છે. ઉલ્લેખનીય છે કે, પુતિન સામે 7 ડમી ઉમેદવાર મેદાનમાં હતા. પરંતુ તેમના ખાસ પ્રતિસ્પર્ધી ગણાતા અલેક્સી નવાલ્નીને કાયદાકીય કારણોથી ચૂંટણી લડવા દેવામાં આવી નહતી.
ચોથી વાર સંભાળશે સત્તાનું સુકાન
વ્લાદિમીર પુતિન ચોથી વખત રશિયાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આપને જણાવી દઈએ કે, રશિયામાં પ્રેસિડેન્ટનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. જેથી પુતિન વર્ષ 2024 સુધી રશિયાના પ્રેસિડેન્ટ કરીકે સત્તા સંભાળશે. વ્લાદિમીર પુતનિ રશિયાના તાનાશાહ રહેલા જોસેફ સ્ટાલિન પછી સૌથી વધારે સમય સુધી શાશન કરનાર લીડર બની ચૂક્યા છે.
રશિયા સેન્ટ્રેલ ઈલેક્શન કમિશનના જણાવ્યા પ્રમાણે આ વખતે ચૂંટણીમાં અંદાજે 11 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. જેમાં પુતિનને 75 ટકા મત મળ્યા છે. જ્યારે પુતિનના નજીકના પ્રતિદ્વંદ્વી અને કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર પાવેલ ગ્રુડિનિનને માત્ર 13.2 ટકા મત મળ્યા હતા.