પાકિસ્તાનના હાઈકમિશનર સોહેલ મહમૂદના ભારત પરત ફરવા પર સંશય

ઈસ્લામાબાદ- ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે. હાલમાં જ તેમાં નવો વળાંક જોવા મળ્યો છે. પાકિસ્તાને ભારતમાં તેના હાઈકમિશનર સોહેલ મહમૂદને પાકિસ્તાન પરત બોલવી લીધા છે અને હવે મળતી માહિતી મુજબ તેના ભારત પરત ફરવા અંગે પણ શંકાના વાદળો ઘેરાયા છે.એક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, હાઈકમિશનર સોહેલ મહમૂદને પાકિસ્તાન પરત બોલાવવાનો નિર્ણય રાજકીય સતામણી અને અન્ય આરોપોને કારણે લેવામાં આવ્યો હતો. વધુમાં પાકિસ્તાને આરોપ લગાવ્યો કે, ભારત દ્વારા તેના હાઈકમિશનરને પરેશાન કરવામાં આવી રહ્યા હતાં. અને હવે સોહેલ મહમૂદનું ભારત પરત ફરવું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત નવી દિલ્હીમાં યોજાનારા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમિટમાં (WTO) પણ પાકિસ્તાન હાજરી નહીં આપે. આ સમિટ આગામી સપ્તાહે યોજાશે. ભારત તરફથી ગત મહિને જ આ માટે પાકિસ્તાનને નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પહેલાં તો પાકિસ્તાને ભારતના નિમંત્રણનો સ્વીકાર કર્યો હતો. પરંતુ હાઈકમિશનર વિવાદ બાદ પાકિસ્તાને પોતાનો નિર્ણય બદલ્યો છે અને WTOમાં હાજર નહીં રહે તેમ જણાવ્યું છે.

આપને જણાવી દઈએ કે, સોહેલ મહમૂદને વર્ષ 2017માં પાકિસ્તાન દ્વારા ભારતમાં હાઈકમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ પાકિસ્તાનના વરિષ્ઠ ડિપ્લોમેટ તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, પાકિસ્તાન હાઈકમિશનરને હાલમાં ભારત પરત મોકલવામાં નહીં આવે અને જો સ્થિતિ વધુ બગડશે તો અન્ય પાકિસ્તાની અધિકારીઓને પણ પરત બોલાવવામાં આવશે.