વિજય માલ્યાને લોન આપવામાં ભારતીય બેન્કોએ નિયમ નેવે મુક્યા: બ્રિટન

લંડન- ભારતમાં નાણાકીય સંસ્થાઓ સાથે કૌભાંડ આચરી વિદેશ ભાગી ગયેલા લીકર કિંગ વિજય માલ્યા ગતરોજ બ્રિટનની અદાલતમાં પોતાની સામેની કાર્યાવાહીના સંદર્ભમાં હાજર થયા હતાં. કેસની સુનાવણી દરમિયાન બ્રિટનના જજે જણાવ્યું કે, ભારતની કેટલીક બેન્કોએ વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન્સને ધિરાણ આપવા માટે નિયમોનો ભંગ કર્યો હતો અને આ બધું આંખો બંધ રાખો તો પણ જાણી શકાય તેટલી સ્પષ્ટ વાત છે.લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના જજ એમ્મા અર્બથનોર્ટે આ સમગ્ર મામલાને કેસને ‘ગ્રોવિંગ પઝલ’ તરીકે ગણાવ્યો છે. વધુમાં અદાલતે જણાવ્યું કે, આ કેસમાં મોટી સંખ્યામાં પુરાવાઓને એક સાથે જોડવા જોઈએ જેથી કેસનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે. જજ એમ્મા અર્બથનોર્ટે કહ્યું કે થોડા મહિના પહેલાંની સ્થિતિ કરતાં હવે તે કેસને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે, ‘એક વાત તો સ્પષ્ટ છે કે, બેન્કોએ લોન મંજૂર કરવા પોતાના જ દિશા નિર્દેશોની અવગણના કરી છે’. એમ્માએ ભારતીય અધિકારીઓને આ કેસમાં સામેલ કેટલાક બેન્ક કર્મચારીઓ સામેના આરોપોને સમજાવવા માટે આમંત્રિત કર્યા હતા અને કહ્યું હતું કે, માલ્યા સામેના ષડયંત્રના કેસના દ્રષ્ટિકોણથી આ મહત્વનું છે.

ઉલ્લેખનીય છે કે, 62 વર્ષના વિજય માલ્યા સામે બ્રિટનમાંથી ભારતમાં પ્રત્યાર્પણ કરવાને લઈને સુનાવણી ચાલી રહી છે. જો બ્રિટનની અદાલત માલ્યાને ભારત મોકલવા પરવાનગી આપશો તો, ભારતની અદાલતમાં માલ્યા સામે બેન્કો સાથે છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના મામલા અંતર્ગત સુનાવણી કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, વિજય માલ્યા સામે આશરે 9 હજાર કરોડ રુપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.