રશિયા પાસે કેટલા અણુશસ્ત્રો છે?

મોસ્કોઃ યૂક્રેન પર ચડાઈ કરવા બદલ અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ નિયંત્રણો લાદવાના લીધેલા નિર્ણયના પ્રતિસાદરૂપે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યૂક્રેન પર અણુબોમ્બ નાખવાની ચીમકી આપી છે. એને કારણે આખી દુનિયા ચિંતિત થઈ ગઈ છે. યૂક્રેન પાસે પણ અણુશસ્ત્રો છે તેથી બંને દેશ વચ્ચે અણુયુદ્ધ ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે.

દુનિયામાં અણુશસ્ત્રોનો સૌથી મોટો ભંડાર રશિયા પાસે છે. એની પાસે બેલિસ્ટિક મિસાઈલોનો મોટો શસ્ત્રાગાર છે. બુલેટિન ઓફ એટમિક સાયન્ટિસ્ટ્સના અહેવાલ મુજબ, રશિયા પાસે ભૂમિ, સમુદ્ર અને અવકાશ-આધારિત 1,500 મિસાઈલોનો ખડકલો તૈયાર છે. તે ઉપરાંત બીજા 3,000 રિઝર્વમાં છે. અમેરિકાની ધરતી સુધી પહોંચી શકે એવી ભૂમિ-આધારિત મિસાઈલો, સબમરીનમાંથી છોડી શકાય એવી મિસાઈલો અને વિમાનમાંથી ફેંકી શકાય એવા બોમ્બ અને છોડી શકાય એવી મિસાઈલો રશિયા પાસે છે.

અણુ હુમલાનો આદેશ આપવાની સત્તા માત્ર રશિયન પ્રમુખને જ છે. દુનિયાના ઈતિહાસમાં માત્ર એક જ વાર અણુશસ્ત્રોનો ઉપયોગ કરાયો છે. 1945માં અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનના બે શહેર – હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંક્યા હતા. એ વખતે અણુશસ્ત્રોમાં અમેરિકાની ઈજારાશાહી હતી. ભૂતપૂર્વ સોવિયેત સંઘે 1949માં તેનો પહેલો અણુશસ્ત્રનો સફળ પ્રયોગ કર્યો હતો.

4 કરોડ 40 લાખ લોકોની વસ્તી ધરાવતો યૂક્રેન લોકતાંત્રિક દેશ છે. એણે 1991માં સોવિયેત સંઘના પતન બાદ આઝાદી મેળવી હતી. આ દેશ પાસે 1,900 વ્યૂહાત્મક શસ્ત્રો છે. તે ઉપરાંત 176 આંતરખંડીય બેલિસ્ટિક મિસાઈલો, 44 વ્યૂહાત્મક બોમ્બર વિમાનો છે.