US વિદેશપ્રધાનનો સંદેશઃ આતંકવાદ પર નક્કર કાર્યવાહી કરે પાકિસ્તાન

વોશિંગ્ટન- અમેરિકાના વિદેશપ્રધાન રેક ટિલરસન 24થી 26 ઓક્ટોબર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ટિલરસનની આ મુલાકાતમાં અમેરિકાની વ્યૂહચનામાં ભારતનુ મહત્વ વધવાના સંકેત મળી રહ્યા છે. અમેરિકાનું ધ્યાન અફઘાનિસ્તાનમાં સ્થિતિ પૂર્વવત કરવાની સાથે એશિયામાં ચીનની વધતી જતી તાકાત પર નિયંત્રણ મુકવા પર કેન્દ્રીત છે.

ટિલરસન પાંચ દિવસના વિદેશ પ્રવાસે છે. તેઓ ભારત આવતા પહેલા પાકિસ્તાન જશે. પાકિસ્તાન મુલાકાતમાં ટિલરસન આતંકવાદી સંગઠનો સામે આકરી કાર્યવાહી કરવાનો સખત સંદેશ આપે તેવી શક્યતા છે. તાજેતરમાં જ અમેરિકી વિદેશપ્રધાને પાકિસ્તાન અંગે આવું નિવેદન આપ્યું હતું. 20થી 27 ઓકટોબર સુધી દક્ષિણ એશિયાની મુલાકાત દરમિયાન ટિલરસન સાઉદી અરબ, કતર, પાકિસ્તાન, ભારત અને સ્વિત્ઝર્લેન્ડ પણ જશે.

ટિલરસન 24 ઓક્ટોબરે ભારત આવશે અને આ જ દિવસે અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગની પણ ભારતની મુલાકાતે છે. ટિલરસન ભારત મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે પણ ટિલરસન મુલાકાત કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં બંને દેશો વચ્ચેના સહભાગીપણાને ઘનિષ્ઠ બનાવવા અને દક્ષિણ એશિયા અંગે વ્યૂહરચના વિશે ચર્ચા કરવામાં આવશે.