‘શરીફ બંધુઓએ’ બે વાર મારી હત્યાનો પ્રયાસ કર્યો: ઝરદારીનો આરોપ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના હાલના નિવેદને પાકિસ્તાનના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ઝરદારીએ દાવો કર્યો છે કે, ભ્રષ્ટાચારના આરોપમાં પદભ્રષ્ટ કરાયેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેના ભાઈ શાહબાઝ શરીફે બે વખત ઝરદારીની હત્યા કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

62 વર્ષના ઝરદારીએ જણાવ્યું કે, નવાઝ અને શાહબાઝ શરીફે તેની હત્યાની યોજના એ સમયે બનાવી હતી જ્યારે તેઓ ભ્રષ્ટાચારના આરોપમાં આઠ વર્ષની સજા ભોગવી રહ્યા હતા અને સુનાવણી માટે કોર્ટ જઈ રહ્યા હતા. લાહોરના બિલાવલ હાઉસમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાત કરતા ઝરદારીએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેના નાના ભાઈ શાહબાઝ શરીફે વર્ષ 1990ના દાયકામાં તેના જેલમાં હોવા દરમિયાન તેની હત્યાની યોજના બનાવી હતી.

વધુમાં ઝરદારીએ કહ્યું કે, ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયા બાદ સહયોગ માગવા નવાઝ શરીફે તેનો સંપર્ક કર્યો હતો. પરંતુ હું એ નથી ભૂલ્યો કે શરીફ ભાઈઓએ ભૂતકાળમાં મારી પત્ની બેનઝીર ભૂટ્ટો અને મારી સાથે કેવો વ્યવહાર કર્યો હતો. છતાં અમે તેને માફ કર્યા હતા અને ચાર્ટર ઓફ ડેમોક્રેસી પર હસ્તાક્ષર કર્યા હતા. તેને સહયોગ કરવા છતાં નવાઝ શરીફે મારી સાથે દગો કર્યો હતો.

વધુમાં ઝરદારીએ કહ્યું કે, શરીફ ભાઈઓ વિશ્વાસ કરવાને લાયક નથી. ઝરદારીએ પાર્ટી નેતાઓ સાથે ચર્ચા કરવા દરમિયાન જણાવ્યું કે, વર્ષ 2018માં યોજાનારી ચૂંટણી બાદ તેઓ પાકિસ્તાન મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કરશે તેવી વાતમાં કોઈ જ તથ્ય નથી.