9/11: એવી ઘટના જેને અમેરિકા આજે ય ભૂલી શક્યું નથી…..

અમદાવાદઃ આજથી 18 વર્ષ પહેલાં, વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં એક એવી કરૂણાંતિકા બની જેનાથી સમગ્ર વિશ્વ થરથરી ગયું હતું. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ, આતંકવાદી સંગઠન અલ-કાયદાએ પ્રવાસી વિમાનનો મિસાઈલની જેમ ઉપયોગ કરતા અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગનને નિશાન બનાવ્યા. આ હુમલાને અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવે છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલામાં અંદાજે 3000 લોકો મૃત્યુ પામ્યા હતાં, મરનારાઓમાં 343 ફાયર વિભાગ અને 60 પોલીસ અધિકારીઓ પણ સામેલ હતાં. તો પેન્ટાગન પર થયેલા આતંકી હુમલામાં 184 લોકોના મોત થયાં હતાં. આ હુમલાથી આર્થિક રીતે પડી ભાગ્યું હતું.

દરરોજથી વિપરીત, 11 સપ્ટેમ્બરની એ સવાર ઇતિહાસમાં કાયમ માટે રેકોર્ડ થનારી હતી. વિશ્વની સૌથી ઉંચી ઈમારતોમાં શુમાર વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આ દિવસે 18 હજાર કર્મચારીઓ રોજબરોજનું કામ કરવામાં લાગ્યા હતાં. પરંતુ સવારે 8:46 મિનિટ પર કંઈક એવું થયું કે, સમગ્ર વાતાવરણ ભયાવહ બની ગયું. તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપતિ જોર્જ બુશે આ ઘટનાને અમેરિકાના ઈતિહાસનો સૌથી કાળો દિવસ ગણાવ્યો હતો.

એ દિવસે અલ-કાયદાના 19 આતંકીઓએ ચાર અમેરિકન વિમાનોનું અપહરણ કરી ને બે વિમાનોને વર્લ્ડ ટ્રેડ સેન્ટર તરફ ઉડાવ્યા. પ્રથમ વિમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ઉત્તરી ટાવર સાથે અથડાયું, આ જોતા લોકોને સૌ પ્રથમ લાગ્યું કે, આ એક માત્ર દૂરઘટના છે પરંતુ થોડી જ ક્ષણો બાદ 9:03 મિનિટ પર અન્ય એક વિમાન દક્ષિણબાજુના ટાવર સાથે અથડાયુ. હુમલાનો સિલસિલો અહીં જ અટક્યો નહીં, બંન્ને ટાવરો પર આતંકી હુમલા બાદ 9:47 મિનિટ પર વોશિગ્ટનના રક્ષા વિભાગના મુખ્યાલય પેન્ટાગન પર હુમલાની ખબર સામે આવી.

આ હુમલાએ સમગ્ર દુનિયામાં આતંકવાદનો એકદમ નજીકથી પરિચય કરાવ્યો હતો, અમેરિકાએ આ હુમલા બાદ તેની સીમાઓને એટલી મજબૂત કરી કે આજે કોઇ આતંકવાદી સંગઠન આંખ ઉઠાવવાની હિંમત કરી શકતું નથી.

અમેરિકાને આર્થિક નુકસાન પહોંચાડવા વર્લ્ડ ટ્રેડ સેન્ટરને આતંકીઓએ નિશાન બનાવ્યુ. અમેરિકાને હુમલામાં અબજો ડોલરનું નુકસાન થયું. ડબલ્યુટીસી (WTC) માં નષ્ટ થયેલી કલાકૃતિઓની કિંમત 10 ડોલર હતી. અહીંથી લગભગ 18 લાખ ટન કાટમાળ દૂર કરવા નવ મહિનાનો સમય લાગ્યો.

આ હુમલામાં માર્યા ગયેલા 372 બિન-અમેરિકન લોકો હતા, જેમાં વિમાનના અપહરણકર્તા સિવાય 77 દેશોના નાગરિકો પણ સામેલ હતા. અમેરિકાના આ હુમલા બાદ તરત અલ-કાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેનને પકડવા માટે 25 કરોડનું વળતર આપવાનું ઇનામ રાખ્યુ હતું. જો કે એ પછી તો અમેરિકાએ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને લાદેનને માર્યો હતો એ ઇતિહાસ જગજાહેર છે.