લંડનઃ તામિલનાડુના એક મંદિરથી આશરે 10 વર્ષ પહેલાં ચોરવામાં આવેલી ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ ગઈ કાલે ભારત સરકારને પરત કરવામાં આવી હતી. આ મૂર્તિઓ જમા કરાવનારાએ આ મૂર્તિઓનો ઇતિહાસ જાણ્યા પછી સ્વૈચ્છિક રૂપે એને પરત કરી છે. અજ્ઞાત જમાકર્તાએ શ્રદ્ધાથી આ પ્રતિમાઓ ખરીદી હતી. ત્યાર બાદ મેટ્રો પોલીસ દ્વારા એ મૂર્તિઓના અસલી સ્થાન વિશે જણાવવામાં આવ્યું હતું, જેથી તેણે આ મૂર્તિઓ પરત કરવાનો નિર્ણય કર્યો હતો.
પુડુચેરીની ફ્રેન્ચ સ્કૂલમાં રાખવામાં આવેલા 1950ના પુરાતત્ત્વના ફોટોને મળાવ્યા પછી એ સાબિત થયું હતું કે એની પાસે જે મૂર્તિઓ છે, એ વિજયનગર સામ્રાજય કાળથી સંબંધિત છે. આ મૂર્તિઓ તામિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લાના અનંતમંગલમના શ્રી રાજાગોપાલસ્વામી મંદિરથી ચોરવામાં આવી છે. લંડનમાં ઇન્ડિયા હાઉસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં લંડનમાં શ્રીમુરુગન મંદિરના પૂજારીઓ દ્વારા ભારતની મૂર્તિઓ સોંપવામાં આવતાં નાનકડો ધાર્મિક સમારોહ કરવામાં આવ્યો હતો.