લંડનઃ બ્રિટનની શાસક કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા તરીકે ગઈ કાલે ચૂંટાઈ આવ્યાં બાદ લિઝ ટ્રસને રાણી એલિઝાબેથ-દ્વિતીયએ દેશનાં નવા વડાં પ્રધાન તરીકે આજે નિયુક્ત કર્યાં છે. 47 વર્ષીય ટ્રસ સ્કોટલેન્ડના એબરડીનશાયરમાં રાણીનાં બેલમોરલ કેસલ નિવાસસ્થાને ગયાં હતાં. 96 વર્ષનાં રાણીએ ટ્રસને અભિનંદન આપી એમની સરકારની રચના કરવાનું આમંત્રણ આપ્યું હતું.
તે પહેલાં, વિદાય લેનાર વડા પ્રધાન બોરીસ જોન્સન રાણીને મળવા ગયા હતા અને પોતાનું રાજીનામું એમને સુપરત કરી દીધું હતું. રાણી એલિઝાબેથ એબરડીનશાયરમાં આવેલા એમનાં આશ્રયસ્થળમાં વેકેશન ગાળવા ગયાં છે. વડા પ્રધાન પદ મેળવવાની સ્પર્ધામાં લિઝ ટ્રસે ગઈ કાલે ભારતીય મૂળના રિશી સુનકને પરાજય આપ્યો હતો.