US વિદેશ મંત્રાલયમાં પત્રકાર પરિષદ સંબોધીને વેદાંત પટેલે રચ્ચો ઇતિહાસ

વોશિંગ્ટનઃ અમેરિકી વિદેશ વિભાગના ઉપ મુખ્ય પ્રવક્તા વેદાંત પટેલે વિદેશ વિભાગની ડેલી બ્રીફ કરીને ઇતિહાસ રચી દીધો છે. આવું કરવાવાળા તેઓ પહેલા ઇન્ડિયન અમેરિકી મૂળના છે. તેમના સાથીઓએ કહ્યું હતું કે પટેલે સ્પષ્ટ રીતે પોતાની વાત રજૂ કરી હતી. વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસ રજા પર હોવાને કારણે પટેલ મિડિયા સામે વિદેશ નીતિના મુદ્દે વિદેશ વિભાગ ફોગી બોટમ હેડ ક્વાર્ટરમાં બ્રીફિંગ કર્યું હતું.

તેમણે બ્રીફિંગ દરમ્યાન યુક્રેન પર રશિયાના આક્રમણ, જેસીપીઓએ અને લીઝ ટ્રસના યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન બનવા વિશે વાતચીતથી માંડીને અનેક વિષયોને વણી લીધા હતા. તેમનું આગામી બ્રીફિંગ બુધવારે નિર્ધારિત છે. તેમણે પોડિયમથી શાનદાર શરૂઆત કરી હતી. વ્હાઇટ હાઉસમાં વરિષ્ઠ એસોસિયેટ કોમ્યુનિકેશન્સ ડિરેક્ટર મેટ હિલે ટ્વીટ કરીને તેમને અભિનંદન આપ્યાં હતાં.

હિલે ટ્વીટ કરીને લખ્યું હતું કે વિશ્વ મંચ પર સંયુક્ત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવું એક મોટી જવાબદારી છે અને વેદાંતે એ જવાબદારી સુપેરે નિભાવી છે.

વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ ડેપ્યુટી કોમ્યુનિકેશન્સ ડિરેક્ટર પિલી તોબરે કહ્યું હતું કે વેદાંત પટેલને મંચ પર જોઈને બહુ સારું લાગ્યું. તેમણે લખ્યું હતું કે મારા મિત્રને એ શાનદાર શરૂઆત માટે અભિનંદન.

વેદાંત પટેલ ગુજરાતમાં જન્મ્યો છે અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયો છે.એ પહેલાં તે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ બાઇડન આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી અને સ્પોક્સપર્સન તરીકે કામ કરી ચૂક્યા છે.