રાણી એલિઝાબેથ-દ્વિતીયનાં પતિ પ્રિન્સ ફિલીપ (99)નું નિધન

લંડનઃ ડ્યૂક ઓફ એડિનબર્ગ તરીકે ઓળખાતા પ્રિન્સ ફિલીપ, જે બ્રિટનનાં રાણી એલિઝાબેથ-દ્વિતીયનાં પતિ હતાં, એમનું આજે અવસાન થયું છે. એ 99 વર્ષના હતા. આ જાહેરાત બકિંગહામ પેલેસ દ્વારા કરવામાં આવી છે. એક નિવેદનમાં શાહી પરિવારે કહ્યું છે કે, ઘેરા દુઃખ સાથે જણાવવાનું કે મહારાણીએ એમનાં પતિ પ્રિન્સ ફિલીપ, ડ્યૂક ઓફ એડિનબર્ગના નિધનની જાહેરાત કરી છે. પ્રિન્સ ફિલીપે આજે સવારે વિન્ડસર કેસલ ખાતે શાંતિપૂર્વક અંતિમ શ્વાસ લીધો હતો.

પ્રિન્સ ફિલીપને ગયા ફેબ્રુઆરીમાં તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં એમને એક મહિનો રાખવામાં આવ્યા હતા અને 16 માર્ચે એ વિન્ડસર કેસલમાં પાછા ફર્યા હતા. ફિલીપે 1947માં એલિઝાબેથ સાથે લગ્ન કર્યા હતા. ફિલીપ ગ્રીક શાહી પરિવારના સભ્ય હતા અને 1921માં ગ્રીસના ટાપુ કોર્ફૂમાં જન્મ્યા હતા. એમને ચાર સંતાન, આઠ પૌત્ર-પૌત્રી, દોહિત્ર-દોહિત્રીઓ અને પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે.