વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને તેમના વહીવટી તંત્રમાં અત્યાર સુધી 130 ભારતીય મૂળના અમેરિકનોની મહત્ત્વનાં પદોએ નિમણૂક કરી છે, એમ વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું. અમેરિકાની વસતિમાં ભારતીય મૂળના લોકોની માત્ર એક ટકો વસતિ છે, પણ અમેરિકાના વહીવટી તંત્રમાં તેમનું પ્રતિનિધિત્વ બહુ મહત્ત્વનું છે.
યુએસ કેપિટલમાં આઝાદીનો અમૃત મહોત્સવ હેઠળ આયોજિત એક કાર્યક્રમમાં બાઇડન વહીવટી તંત્રનું પ્રતિનિધિત્વ કરતાં રાજ પંજાબીએ ભારતીય મૂળના લોકોને સંબોધિત કરતાં મહત્ત્વની વાત કહી હતી. તેઓ વ્હાઇટ હાઉસની બાયોડિફેન્સની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ અને ગ્લોબલ હેલ્થ સિક્યોરિટીના સિનિયર ડિરેક્ટર તરીકે કાર્યરત છે. આ પ્રસંગે તેમણે અમેરિકી સરકારમાં ટોચનાં પદોએ નિયુક્ત થયેલા ભારતીય અમેરિકનોની યાદી વાંચી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડને 130 ભારતીય મૂળના અમેરિકનોને વહીવટી તંત્રમાં નિયુક્ત કર્યા છે, જે ભારતીયો માટે ગૌરવની વાત છે.
ભારતના આઝાદીના અમૃત મહોત્સવના ઐતિહાસિક પ્રસંગે 75 ભારતીય અમેરિકી સંગઠનોએ મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમણે 1947 પછી ભારતની યાત્રાને વણી લીધી હતી. આ સંગઠનોમાં US ઇન્ડિયા રિલેશનશિપ કાઉન્સિલ, સેવા ઇન્ટરનેશનલ, એકલ વિદ્યાલય ફાઉન્ડેશન, હિન્દુ સ્વયંસેવક સંઘ, GOPIO સિલિકોન વેલી, યુએસ ઇન્ડિયા ફ્રેન્ડશિપ કાઉન્સિલ અને સરદાર પટેલ ફંડ ફોર સનાતન સંસ્કૃતિનો સમાવેશ થાય છે. બુધવારે આયોજિત આ કાર્યક્રમનો વિષય સ્ટ્રોગર ટુગેધર યુએસ-ઇન્ડિયા પાર્ટનરશિપ હતો. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે મને એવા વહીવટી તંત્રનો ભાગ બનવામાં ગર્વ છે, જે વિવિધતા માટે પ્રતિબદ્ધ છે.