નવી દિલ્હીઃ બંગલાદેશમાં લાંબા સમયથી આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે બીજી બાજુ બંગલાદેશમાં વીજ સંકટ ઘેરું બને એવી શક્યતા છે. અદાણી ગ્રુપે બંગલાદેશને કહ્યું હતું કે સાત નવેમ્બર સુધી બાકીનાં લેણાં ચૂકવો, અન્યથા કંપની બંગલાદેશને વીજ સપ્લાય બંધ કરી દેશે. જો આવું થશે તો દેશમાં વીજ સંકટ પેદા થવાની શક્યતા છે. હાલ કંપનીએ બંગલાદેશનો અડધો વીજ સપ્લાય અટકાવી દીધો છે.
અદાણી પાવર ઝારખંડ લિમિટેડે (APJLએ) 846 મિલિયન ડોલર (લગભગ રૂ. 7200 કરોડ)ની લેણાં બાકી છે. આ રકમની માગ પર કંપનીએ અનેક વાર બંગલાદેશની વચગાળાની સરકાર સાથે વાતચીત કરી છે, પરંતુ કોઈ ઉકેલ નથી આવ્યો. સરકારે ચુકવણી ન કરવાને કારણે કંપનીએ આ પગલું ભર્યું છે. બાંગ્લાદેશ પાવર ગ્રીડના ડેટા અનુસાર APJLએ ગુરુવારે રાતથી વીજ સપ્લાયમાં આ કાપ મૂક્યો છે. આ કાપને કારણે બંગલાદેશને એક રાતમાં 1600 મેગાવોટ (MW) કરતાં વધુ વીજળીની અછતનો સામનો કરવો પડ્યો હતો. 1496 મેગાવોટનો બંગલાદેશી પ્લાન્ટ હવે 700 મેગાવોટ પર કાર્યરત છે.
કંપનીએ બંગલાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (PDB)ને પત્ર મોકલીને 30 ઓક્ટોબર સુધીમાં બાકી રકમ ચૂકવવા જણાવ્યું હતું. કંપનીએ કહ્યું હતું કે જો સમયસર ચુકવણી નહીં કરવામાં આવે તો પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ 31 ઓક્ટોબરથી વીજ સપ્લાય બંધ કરવામાં આવશે.
બંગલાદેશ ઇલેક્ટ્રિસિટી બોર્ડે કહ્યું હતું કે અમે જૂનાં બિલ ચૂકવી દીધાં છે, પરંતુ જુલાઈથી, અદાણીના ચાર્જ દર અઠવાડિયે વધીને 22 મિલિયન ડોલરથી વધુ થઈ ગયા છે. જ્યારે PDB લગભગ 18 મિલિયન ડોલર ચૂકવી રહ્યું છે, જેથી બાકીની રકમ વધી રહી છે. PDBના એક અધિકારીએ જણાવ્યું કે ડોલરની અછતને કારણે ગયા અઠવાડિયે એગ્રિકલ્ચર બેન્કને ચુકવણી કરી શકાઈ ન હતી, જેને કારણે બેન્ક ક્રેડિટ લેટર આપી શકી ન હતી.