WHOના વડાએ પીએમ મોદીનો આભાર માન્યો

વોશિંગ્ટનઃ સમગ્ર દુનિયા હજી કોરોના વાઈરસ મહાબીમારી સામે ઝઝૂમી રહી છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એધનોમ ઘેબ્રિસસે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને આ રોગચાળાનો સામનો કરવામાં ભારતના સહયોગની સરાહના કરી હતી અને વ્યક્તિગત રીતે મોદીનો આભાર માન્યો છે.

ડો. ટેડ્રોસે આની જાણકારી ટ્વીટ કરીને આપી છે. એમણે કહ્યું કે વૈશ્વિક સ્વાસ્થ્ય મુદ્દાઓ પર ભારતની શરૂઆતથી જ મહત્ત્વની ભૂમિકા રહી છે. ટ્વીટમાં ડો. ટેડ્રોસે લખ્યું છે કે, કોવેક્સ પરત્વે અને કોવિડ-19 રસીઓને વૈશ્વિક જનતાને ઉપલબ્ધ કરાવવાનો પ્રતિબદ્ધતા દર્શાવવા બદલ હું વડા પ્રધાન મોદીનો આભાર માનું છું. આ રોગચાળો સમગ્ર વિશ્વ માટે અભૂતપૂર્વ પડકાર છે અને એનો અંત લાવવા માટે ખભેખભા મિલાવીને કામ કરવા આપણે સહમત થયા છીએ.

વડા પ્રધાન મોદીએ પણ કોરોના સંકટમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ બજાવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી. એમણે ટ્વીટમાં લખ્યું છે કે ફોન પર મારે ડો. ટેડ્રોસ સાથે સરસ વાતચીત થઈ. અમે આરોગ્ય અને નિરોગીપણાને દુનિયાભરમાં ઉત્તેજન આપવા માટે પરંપરાગત ઔષધની વ્યાપક સંભાવના વિશે ચર્ચા કરી હતી. કોવિડ-19 સામેની લડાઈમાં WHO અને દુનિયાના દેશોને ભારતનો ટેકો મળી રહેશે એવી મેં એમને ખાતરી આપી હતી.