કલરોનું કોમ્બીનેશન એટલે કોપરસ્મીથ બારબેટ

કુદરત પાસે કેવા અને કેટલા કલર કોમ્બીનેશન છે તે જોવુ હોય તો જંગલમાં રહેતા પક્ષીઓને જોઇએ તો ખબર પડે. એમાં પણ આ કોમ્બીનેશન તમારે પક્ષીમાં જોવું હોય તો પછી તમારે એક વખત કોપરસ્મીથ બારબેટ(કંસારો) ને જોવું પડે. લક્કડ ખોદની જેમ એ વૃક્ષની સુકી ડાળીમાં ચાંચ વડે 2 કાણા બનાવી માળો બનાવે ત્યારે લાગે કે આટલા નાના પક્ષીમાં કેટલી શક્તિ છે અને કેવી ધીરજ છે.

આપણને થાય આ પક્ષીનું નામ કોપરસ્મીથ બારબેટ કે કંસારો શા માટે પડ્યું હશે પણ જ્યારે તમે એને બોલતુ સાંભળો ત્યારે તમને ખબર પડે કે જાણે કોઇ ટીપી ટીપીને તાંબાના વાસણ બનાવતું હોય. ટીપવાનો અવાજ જેમ સતત આવે એમ કોપર સ્મીથ બારબેટ પણ સતત આવો અવાજ કરે. જંગલમાં ફરતા હોય ત્યારે સતત આ અવાજ સંભળાય પણ કોપર સ્મીથ બારબેટ(કંસારો) જલ્દી દેખાય નહી.