ચીનમાં વિમાનદુર્ઘટના અંગે મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

બીજિંગઃ 132 પ્રવાસીઓ સાથેનું ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું એક બોઈંગ-737 વિમાન આજે ચીનના ગુઆંગ્શી ઝુઆંગ પ્રાંતના પહાડી વિસ્તારમાં તૂટી પડતાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. પહાડ પર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ તે આગમાં લપેટાઈ ગયું હતું. વિમાનના ટૂકડેટૂકડા થઈ ગયા હતા. વિમાનમાં 123 પ્રવાસીઓ અને 9 ક્રૂ સભ્યો હતા. કોઈ બચ્યું હોવાની સંભાવના નહીંવત્ છે. વિમાન 6 વર્ષ જૂનું હતું.

વિમાન સ્થાનિક સમય મુજબ આજે બપોરે 1.11 વાગ્યે કુનમિંગથી ઉપડ્યું હતું અને બપોરે 3.05 વાગ્યે ગુઆંગ્ઝો પહોંચવાનું હતું. તે એક કલાક જેટલા સમયથી આકાશમાં ઉડ્યું હતું અને તે પછી ગુઆંગ્શી પ્રાંતના વુઝોઉ શહેરની હદમાં આવેલા પહાડોમાં તૂટી પડ્યું હતું. ફ્લાઈટ રડારના ડેટા અનુસાર, વિમાન બપોરે 2.22 વાગ્યે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ચીનના સત્તાવાર મિડિયાએ દુર્ઘટનાના વિડિયો ફૂટેજને સોશિયલ મિડિયા પર શેર કર્યું હતું, જેમાં દુર્ઘટના સ્થળે વિમાનનો કાટમાળ, આગની જ્વાળા અને ધૂમાડા ઉડતાં જોઈ શકાય છે. ચીનમાં છેલ્લે મોટી વિમાન દુર્ઘટના 2010માં થઈ હતી જ્યારે હાર્બિનથી ઉપડેલું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 42 જણ માર્યા ગયા હતા.

ચીનના પ્રમુખ શી ઝિનપિંગે આ વિમાન દુર્ઘટના અંગે આઘાત વ્યક્ત કર્યો છે અને દુર્ઘટનાનાં કારણ માટે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટરના માધ્યમથી વિમાન દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિતોનાં પરિવારજનો માટે પ્રાર્થના કરી છે.