12-15 વર્ષનાઓ પર અમારી કોરોના-રસી 100% અસરકારકઃ ફાઈઝર-બાયોએનટેક

વોશિંગ્ટનઃ ફાઈઝર કંપનીએ એવો દાવો કર્યો છે કે તેણે બાયોએનટેક સાથે મળીને બનાવેલી કોરોનાવાઈરસ-વિરોધી રસી 12-15 વર્ષની વયના બાળકો ઉપર 100 ટકા અસરકારક અને સુરક્ષિત રહી છે. ત્રીજા ચરણની અજમાયશ દરમિયાન એને 100 ટકા પરિણામ મળ્યું છે.

ભારત સહિત દુનિયાભરમાં હાલ કોરોના રસી મૂકાવવાની જોરદાર ઝુંબેશ ચાલી રહી છે. ફાઈઝર દ્વારા જણાવાયું છે કે તેણે ત્રીજા ચરણમાં અમેરિકામાં 2,260 બાળકોને કોરોના રસીની ટ્રાયલમાં સામેલ કર્યા હતા. ટ્રાયલ દરમિયાન માલૂમ પડ્યું હતું કે તે બાળકોને એક મહિના બાદ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યા બાદ એ બધાયના શરીરમાં વધારે સારા એન્ટીબોડિઝ વિકસિત થયા હતા. હવે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અમેરિકામાં હાલ 16 વર્ષ કે તેથી વધુની વયનાં બાળકોને ફાઈઝરની કોરોના-રસી આપવામાં આવી રહી છે.