કરોડો નોકરીઓનું વચન આપતી બાઈડનની ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના

વોશિંગ્ટનઃ અમેરિકામાં કરોડોની સંખ્યામાં નોકરીઓનું નિર્માણ કરવા માટે પ્રમુખ જૉ બાઈડને એમની સરકારે ઘડેલી 2 લાખ કરોડ (ટ્રિલિયન) ડોલરની ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાની આજે જાહેરાત કરી છે. એમણે કહ્યું કે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના અમેરિકાના અર્થતંત્રમાં નવા પ્રાણ લાવશે અને તેનાથી ચીન સામે આર્થિક મોરચે લડવામાં અમેરિકાને મદદ મળશે. બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકામાં નોકરીઓના નિર્માણ માટે આ સૌથી મોટું ઈન્વેસ્ટમેન્ટ કરાવાનું છે.

આ યોજના પાછળ થનાર ખર્ચને આંશિક રીતે આવરી લેવા માટે કોર્પોરેટ ટેક્સને હાલના 21 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવશે. આ યોજના કરોડો અને સારા પગારવાળી નોકરીઓનું નિર્માણ કરશે, એમ બાઈડને વધુમાં જણાવ્યું. (ઉલ્લેખનીય છે કે, અમેરિકાની સરકારે કોરોનાવાઈરસ રોગચાળાને કારણે અસર પામેલા દેશના અર્થતંત્ર માટે 1.9 લાખ કરોડ (ટ્રિલિયન) ડોલરના સ્ટિમ્યુલસ પ્લાનને થોડા જ દિવસો પહેલાં મંજૂરી આપી હતી)