ફ્રાન્સથી વધુ ત્રણ-રફાલે ભારત આવવા ઉડાન ભરી

પેરિસઃ ફ્રાન્સથી ભારત માટે રફાલ ફાઇટર જેટનો એક જથ્થો ઉડાન ભરી ચૂક્યો છે. નોન-સ્ટોપ ઉડાન દરમ્યાન આ રફાલ લડાકુ વિમાનોમાં યુએઈ દ્વારા હવામાં ઇંધણ ભરવામાં આવશે. ત્રણ વધુ રફાલ વિમાનોના આવવાથી ઇન્ડિયન એર ફોર્સની પાસે હવે રફાલ વિમાનોની સંખ્યા વધીને 14 થશે. ફ્રાંસना દૂતાવાસે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી.

ફ્રાન્સના ત્રણ રફાલ લડાકુ વિમાનો ભારત માટે ઉડાન ભરી ચૂક્યા છે. આ પહેલાં જાન્યુઆરીમાં ત્રણ રફાલ ભારત પહોંચ્યા હતા. આ ત્રણ વિમાન એવા સમયે ભારત પહોંચ્યા હતા, જ્યારે ભારત ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં તણાવ ચાલી રહ્યો હતો.

આ રફાલ આવવાથી ઇન્ડિયન એરફોર્સની મારક શક્તિમાં વધારો થશે. રફાલ વિમાનોની પહેલી સ્ક્વોડ્રન હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશન પર તહેનાત છે.

રફાલ વિમાનોની પહેલી ખેપ ગયા વર્ષે 29 જુલાઈએ ફ્રાંસથી ભારત આવી હતી. ભારતે ફ્રાન્સથી 36 લડાકુ વિમાન ખરીદવા માટે વર્ષ 2015થી આંતર-સરકાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ત્રણ વિમાનોની બીજી ખેપ ત્રીજી નવેમ્બરે ભારત પહોંચી હતી, જ્યારે ત્રણ વધુ વિમાનોની ત્રીજી ખેપ 27 જાન્યુઆરીએ અહીં પહોંચી હતી.