બેંગલુરુઃ પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા CEO બનતા એક્શનમાં આવી ગયા છે. ખાનગી માહિતી સુરક્ષા નીતિમાં મંગળવારે એક નવું અપડેટ કર્યું છે, જેથી ખાનગી વ્યક્તિઓની સહમતી વગર તેમના ફોટો અથવા વિડિયોને શેર કરવાની મંજૂરી કોઈ અન્યને નહીં આપી શકાય. કંપનીએ એક બ્લોગ પોસ્ટના માધ્યમથી જાણ કરી હતી કે કંપની ખાનગી માહિતીની નીતિના દાયરાનો વ્યાપ વધારી રહી છે, જેમાં ખાનગી મિડિયામાં ફોટો અને વિડિયોને સામેલ કર્યા છે.
અત્યાર સુધી કોઈ પણ યુઝર અન્ય યુઝરના વિડિયોઝ અને ફોટો વગર મંજૂરીએ મોકલી દેતો હતો. ફોટો અને વિડિયોઝને લઈને કંપની દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો હેતુ ઉત્પીડન વિરોધી નીતિઓને વધુ મજબૂત કરવાનો અને મહિલા યુઝર્સને સુરક્ષિત રાખવાનો છે.
ટ્વિટરે વધુમાં કહ્યું હતું કે પર્સનલ મિડિયા જેવા ચિત્ર અથવા વિડિયો શેર કરવા માટે સંભવિતપણે કોઈ વ્યક્તિની પ્રાઇવસીનું ઉલ્લંઘન કરી શકે છે અને એનાથી ભાવનાત્મક અથવા શારીરિક નુકસાન પણ થઈ શકે છે. સોશિયલ મિડિયા કંપનીએ પહેલેથી વપરાશકર્તાઓની અન્ય વ્યક્તિગત માહિતી જેવી કે એનું સરનામું, ઓળખ, દસ્તાવેજ, બિનજાહેર સંપર્કની માહિતી, નાણાકીય માહિતી અથવા મેડિકલ ડેટા શેર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
પર્સનલ મિડિયાનો દુરુપયોગ બધાને અસર કરી શકે છે, પણ મહિલાઓ, અસંતુષ્ટો અને અલ્પસંખ્યકોના સમાજના સભ્યો પર એની પ્રતિકૂળ અસર પડી શકે છે. એનો અર્થ એ નથી કે ટ્વિટર પર પોસ્ટ કરતાં પહેલાં કોઈ પણ ફોટો અને વિડિયોમાં બધી વ્યક્તિઓની સહમતીની જરૂર હશે, પણ કોઈ વ્યક્તિ એને દૂર કરવા ઇચ્છે તો પ્લેટફોર્મ એને પ્રતિબંધિત કરી દેશે.
