પાકિસ્તાનનું આર્થિક સંકટ ઘેરાયું: ડિફોલ્ટ થશે દેશ?

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન હાલના સમયે આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પાકિસ્તાનનું કેડિટ રેટિંગ ઘટાડી દીધું છે. આવનારા સમયમાં પાકિસ્તાનની નવી સરકાર સામે દેશના ગંભીર આર્થિક કટોકટીમાંથી બહાર લાવવો એ પડકાર હશે, એમ મૂડીઝનો રિપોર્ટ કહે છે.

પાકિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતતાને પગલે નવી સરકારને એપ્રિલમાં આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (IMF)થી નવી લોન માટે સંપર્ક કરવો મુશ્કેલ હશે, કેમ કે એના પર પહેલેથી જ 49.5 અબજ ડોલરનાં દેવાં છે. જ્યારે ઇસ્લામાબાદ સ્થિત થિન્ક ટેન્ક તબદલેબના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દેશનાં કુલ દેવાં ઘરેલુ અને વિદેશી ઋણ સહિત 77.66 ટ્રિલિયન રૂપિયા (271.2 અબજ ડોલર) છે. પાકિસ્તાનને IMFએ ગયા વર્ષે જૂનમાં ત્રણ અબજ ડોલરની લોન આપી હતી, જેના નવ મહિનાનો સમયગાળો હવે પૂરો થઈ રહ્યો છે અને હવે પાકિસ્તાનને આર્થિક મદદ માટે ફરી એક મોટી લોનની જરૂર છે. વળી, એપ્રિલમાં પાકિસ્તાનની તિજોરી ખાલી થઈ શકે છે. એને કારણે પાકિસ્તાનનું અર્થતંત્ર વધુ તૂટશે, જેને સંભાળવું બહુ મુશ્કેલ પડશે, એમ મૂડીઝે રિપોર્ટમાં કહ્યું છે.

મૂડીઝે પાકિસ્તાનના લોન લેવાની ક્રેડિટ રેટિંગ ઘટાડી દીધું છે. તેનું રેટિંગ CAA1થી ઘટાડીને CAAA3 કરી દીધું છે, જે ડિફોલ્ટથી માત્ર બે ક્રમાંક ઉપર છે. બીજી બાજુ પાકિસ્તાનના રૂપિયાની હાલત ઘણી ખરાબ છે. પાકિસ્તાની એક રૂપિયો ભારતના 30 પૈસા બરાબર છે અને એક અમેરિકી ડોલરની કિંમત 277ના બરાબર છે. પાકિસ્તાનમાં આર્થિક સંકટ જ નહીં, પણ રાજકીય અસ્થિરતા છે. જેથી મૂડીઝે પાકિસ્તાનના ક્રેડિટને નેગેટિવ કરી દીધું છે.